અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરતા જણાવ્યું કે, અમારા માટે દેશનો સામાન્ય નાગરિક ઈશ્વર સમાન છે. ‘કેન્દ્રની અને રાજ્યની એમ ડબલ એન્જિનની સરકારના ડબલ લાભો જનતાને મળી રહ્યા છે. આવી જનહિતની યોજનાઓના કરોડો લાભાર્થીઓના આશીર્વાદ સરકારને બમણા વેગથી કામ કરવાની પ્રેરણા આપે છે.
આગામી તા.17 સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને ઓલપાડના ધારાસભ્ય અને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના વડપણ હેઠળ ઓલપાડ વિધાનસભા પરિવાર દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં હજારો જરૂરિયાતમંદોએ નિદાન, દવા અને સારવારનો લાભ મેળવ્યો હતો. જેમાં 300 થી વધુ નિષ્ણાત તબીબો, 50 લેબ ટેકનિશિયન, 300 પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી, હાડકા, આંખ-કાન-નાક, હદય, દાંત, એનીમિયા, બ્લડ અને સુગર ચેકઅપ, ચશ્મા અને દવા વિતરણ સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્ર-રાજ્ય સરકારની મળીને 16 જેટલી યોજનાઓનો લાભ પોણા પાંચ લાખ લોકોને પહોચાડવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરતા વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, કોઈ એક જ સ્થળે હેલ્થકેમ્પ યોજી હજારો નાગરિકોના આરોગ્યની કાળજી લેવી એ ઈશ્વરીય કાર્ય છે. સરકાર અને સમાજ સાથે મળીને કાર્ય કરે છે ત્યારે દેશ નિશ્ચિતપણે પ્રગતિના પંથે આગળ વધે છે. એઈમ્સ હોસ્પિટલોનો વ્યાપ વધારવા સાથે દરેક રાજ્યમાં વધુમાં વધુ મેડિકલ કોલેજો સ્થાપવા સરકાર સતત પ્રયાસરત છે. ગુજરાતમાં 11 મેડિકલ કોલેજો હતી, જે છેલ્લા બે દાયકા દરમિયાન વધીને આજે ૩૧ થઈ ચૂકી છે. આયુષ્માન ભારત યોજનાને લીધે ગરીબ, મધ્યમવર્ગને ઉચ્ચ ગુણવત્તાની અને પરવડે એવી આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં અનેક પૂર અને મહામારીઓએ સુરતની કઠિન પરીક્ષા લીધી છે, પરંતુ સુરત હંમેશા રાખમાંથી બેઠું થઈને ધબકતું રહે છે. દેશમાં પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધી લાભાર્થી કિસાનોના ખાતામાં બે લાખ કરોડ સીધા જમા કરવામાં આવ્યા છે. જે પૈકી ગુજરાતના 60 લાખ અને સુરત જિલ્લાના 1.25 લાખ ખેડૂતોએ આ સહાય મેળવી છે. ઉપરાંત, છેલ્લા 8 વર્ષમાં દેશમાં ૩ કરોડ પાકા આવાસો બનાવીને લાભાર્થી પરિવારોને અર્પણ કર્યા છે, જે પૈકી ગુજરાતના 10 લાખથી વધુ અને સુરત જિલ્લાના 1.50 લાખ પરિવારોને પાકા આવાસની ભેટ મળી છે, જ્યારે પી.એમ.સ્વામિત્વ યોજનાથી ડ્રોન ટેકનોલોજીથી ગ્રામીણ વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ આપવાની યોજના હેઠળ ગુજરાતના 1600 ગામોમાં ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.