વિશ્વ શાંતિ માટે ગાંધી જીવનદર્શનને જન-જન સુધી પહોંચાડવું જરૂરી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પ્રથમ વખત ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. વિદ્યાપીઠ દ્વારા રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ ગુજરાત વિદ્યાપીઠ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિશ્વશાંતિ માટે ગાંધી જીવન-દર્શનને જન-જન સુધી પહોંચાડવું આજે અત્યંત જરૂરી છે.
રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે આજે વિદ્યાપીઠની પ્રથમ મુલાકાત સમયે મહાત્મા ગાંધી દ્વારા વર્ષ 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં સેવક તરીકે જોડાઈને સેવા કરવાનો અવસર મળવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકતાના સૂત્રથી બંધાઈને પરિવારભાવ સાથે મહાત્મા ગાંધીજીના ચિંતનને સાકાર કરવા સૌ સાથે મળીને શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. રાજ્યપાલે જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ ગાંધી જીવનદર્શનને પામવાનું – શીખવાનું પરમ તીર્થ છે. તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગતરૂપે તેઓ જીવનમાં બે મહાપુરુષોથી પ્રભાવિત છે. એક મહર્ષિ દયાનંદ સરસ્વતી અને બીજા મહાત્મા ગાંધીજી, જેમણે ગુજરાતની પાવન ધરતી પર જન્મ લઈ વિશ્વકલ્યાણ માટે સ્વાર્પણ કર્યું હતું. રાજ્યપાલે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે પસંદગી બદલ આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે મહાત્મા ગાંધીજી જીવનપર્યંત રહ્યા, ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, નારાયણભાઈ દેસાઈથી લઈને ઈલાબહેન ભટ્ટ જેવા મહાન વ્યક્તિઓ અને ચિંતકોએ ગાંધીવિચારને જન જન સુધી પહોંચાડવા ભગીરથ પુરુષાર્થ કર્યો, એ પદ પર કાર્ય કરીને ગુજરાત વિદ્યાપીઠની આ પરંપરાને વધુ મજબૂતીથી આગળ ધપાવીશું.
રાજ્યપાલે ગાંધી જીવન-દર્શનને સર્વકાલીન ગણાવી ઉમેર્યું હતું કે સૃષ્ટિની રચનાથી લઈને સૃષ્ટિના અસ્તિત્વ સુધી આ સિદ્ધાંતો વિના દુનિયાને ચાલવાનું નથી. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વગેરે જેવા ગાંધીજીના આદર્શોથી જ વિશ્વશાંતિની સ્થાપના થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે મન, વચન અને કર્મ દ્વારા ગાંધીજીના આદર્શોને આત્મસાત્ કરીને રાષ્ટ્રનિર્માણ માટે કાર્યકર્તાઓ તૈયાર કરવાના ધ્યેયને સિદ્ધ કરવા સૌ પુરુષાર્થ કરીએ.
રાજ્યપાલે આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના સિદ્ધાંતને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પાયારૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીના સપનાના ગ્રામોદય દ્વારા જ ભારત દેશ વિશ્વમાં અગ્રેસર બની શકશે. તેમણે ખાદી માત્ર વસ્ત્ર નહિ, પરંતુ જીવન-દર્શન છે, એમ જણાવી ઉમેર્યું હતું કે પાંચમા ધોરણમાં અભ્યાસ પછી તેમણે ખાદીનાં વસ્ત્રો સિવાય કોઈ અન્ય વસ્ત્રો પહેર્યાં નથી. ગાંધી જીવન-દર્શનને આત્મસાત કરીને તેમણે અપનાવેલા પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક ચિકિત્સાના સ્વાનુભવને રજૂ કર્યા હતા.
રાજ્યપાલએ ગાંધીજીના આદર્શો અનુસાર કાર્યકર્તાઓના ઘડતર માટેના ગૂજરાત વિદ્યાપીઠના ધ્યેયને સાકાર કરવા સૌ સાથે મળીને પુરુષાર્થ કરીએ.