અમદાવાદઃ શિયાળાનો સવા મહિનો વીતિ ગયો હોવા છતાં હજુ વાતાવરણમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હાલ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુ લોકો અનુભવી રહ્યા છે. ત્યારે આગામી 11મી ડિસેમ્બરથી માવઠુ પડવાની હવામાન શાસ્ત્રીઓ માવઠુ પડવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશરની સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ કાર્યરત થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં 11થી 15 ડિસેમ્બર વચ્ચે માવઠું થવાની શક્યતા છે. હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ઉપરાઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે તેમ જ હાલમાં બંગાળની ખાડીના પૂર્વ વિસ્તારમાં એક લો-પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. બંને સિસ્ટમની સંયુક્ત અસરોથી રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેલી છે. બંગાળની ખાડીમાં સક્રિય થનારી આ સિસ્ટમ આગામી દિવસોમાં વાવાઝોડામાં પણ પરિવર્તિત થઈ શકે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, લો-પ્રેશરની આ સિસ્ટમ 9 ડિસેમ્બરે આંધ્રપ્રદેશ-તામિલનાડુના કાંઠાથી અરબી સમુદ્ર તરફ આગળ વધી શકે છે તેમ જ 10થી 11 ડિસેમ્બરે આ સિસ્ટમ લો-પ્રેશર કે વેલમાર્ક લો-પ્રેશર બની અરબી સમુદ્રમાં પ્રવેશવાની શક્યતા છે. આ સમય દરમિયાન 11થી 12 ડિસેમ્બર દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થવાની શક્યતા છે તેમ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ અરબ સાગર સુધી લંબાવવાની શક્યતા છે. આમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો-પ્રેશરની અસરથી 11થી 15 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. જોકે આ પહેલાં વાતાવરણ બદલાતાં માવઠું થવાના સમયમાં ફેરફાર થઈ શકે છે.