અમદાવાદઃ રાજ્યમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. કારતક મહિનામાં પણ બપોરે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં આવતીકાલ 30મીથી 2જી ડિસેમ્બર સુધી માવઠુ પડે તેવી આગાહી કરાઈ છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર તેની અસર વર્તાશે.જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસર સર્જાશે. જેના કારણે કમોસમી વરસાદ પડી શકે. જ્યારે કે 2 તારીખે પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. મહત્વનું છે કે, માવઠાના કારણે સૌથી મોટો ફટકો ખેડૂતોને પડે છે. માવઠાના કારણે પાકને નુકસાન થતા ખેડૂતોની કફોડી થઈ જાય છે. ત્યારે ખેડૂતોને પણ પાક સુરક્ષિત સ્થાને રાખવા સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના કહેવા મુજબ 2જી ડિસેમ્બરે દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ અને દીવમાં 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 3 અને 4 ડિસેમ્બરે કમોસમી વરસાદ કેર વર્તાવી શકે છે. 3 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, દાહોદ, છોડાઉદેપુર, સુરત અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. તેવી જ રીતે 4 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે અને મધ્યમ વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. 1 ડિસેમ્બરથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં વારાવરણ પલટાવાનું શરૂ થઈ જશે. (file photo)