Site icon Revoi.in

સુજાણપુર સોલર પ્લાન્ટ અને સૂર્યમંદિર મોઢેરાની જી-20ના વિદેશી પ્રતિનિધિઓએ મુલાકાત લીધી

Social Share

અમદાવાદઃ ભારતની પ્રેસિડેન્સીમાં યોજાઇ રહેલી G20 શિખર પરિષદ અન્વયે વિવિધ દેશોના 26 મીડિયા પ્રતિનિધિઓએરાષ્ટ્રના સૌ પ્રથમ સોલરગામ મોઢેરા અંતર્ગત સોલર પ્લાન્ટ સૂજાણપુર અને સૂર્યમંદિર મોઢેરાની મુલાકાત લીઘી હતી. સુજાણપુર ખાતે મીડિયા પ્રતિનિધિઓનું ભારતીય પરંપરા અનુંસાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મીડીયા ડેલીગેશનને સોલર પ્લાન્ટ સૂજાણપૂર અંગે વિશેષ માહિતી વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા જણાવવામાં આવી હતી.

સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાયું છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કર્યું હતું. ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સુજાણપુર ખાતે ‘મોઢેરા સૂર્ય મંદિર અને મોઢેરા નગરનું સોલરાઇઝેશન’ કર્યું છે.

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી હતી. આ પ્રોજેકટ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે કુલ ₹80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) ₹69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) ₹11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે. અહીં 1 KW ની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર જનરેશન કરવામાં આવે છે જેનું સ્ટોરેજ થાય છે અને સાંજે, BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.જે અંગેની તમામ વિસ્તૃત માહિતી મિડીયા ડેલીગેશનની પૂરી પાડી હતી.

આ ઉપરાંત મીડીયા ડેલીગેશન દ્વારા મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેવામાં આવી હતી. ઉત્તમ કલાગીરીના નમુનાને જોઇને મિડીયા ડેલીગેશન અભિભૂત થયું હતુ. મોઢેરા સૂર્યમંદિરના ઇતિહાસ સહિતની વિગતો ગાઇડ દ્વારા મીડીયા ડેલીગેશનને સમજાવામાં આવી હતી. મહેસાણાથી 25 કિ.મી.ના અંતરે આવેલું સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિર ગુજરાતને સોલંકી યુગના શાસનથી સૂવર્ણશક્તિ પ્રદાન કરે છે. સોલંકીયુગના આ સૂર્યમંદિરના ગર્ભગૃહમાં સંવત 1083નો શિલાલેખ કંડારેયાલા છે.જેના પરથી કહી શકાય છેકે ઇ.સ. 1027માં આ મંદિર બંધાયું હશે.

પૌરાણિક સમયમાં મોઢેરા તીર્થસ્થાન ગણાતું હતું. સૂર્યમંદિરમાં હાલ ગર્ભગૃહ, રંગમંડપ, ગૂઢમંડપ સાથે શિખર વગર ઉભું છે. આ ત્રણેય પરિસરની કુલ લંબાઇ લગભગ 145 ફુટ છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બંને 70 ફુટ લંબાઇ અને 50 ફુટ પહોળાઇમાં છે. ગર્ભગૃહ છ માળનું હશે તેમ મનાય છે. અહીં 176 ફુટ લાંબો અને 20 ફુટ પહોળો સૂર્યકુંડ છે. આ સૂર્યકુંડ પણ કલાત્મક કોતરણીથી સુશોભિત છે. સૂર્યમંદિરની સામે જ રંગમંડપ છે. તે ગૂઢમંડપ કરતા એક ફુટ નીચો છે. રંગમંડપો અદભુત શિલ્પ કોતરણીથી કંડારાય છે અને તેથી જ કદાચ જીવંત લાગે છે. આ બેનમૂન કલાકૃતિ દર્શનીય છે. બેનમૂન કલાકૃતિથી શોભાતું આ સૂર્યમંદિર વાતાવરણને સૂર્યમય અને સોનેરી બનાવી મુકે છે આ ઉપરાંત દર વર્ષે યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવની માહિતીથી પણ મીડીયા પ્રતિનિધિઓને વાકેફ કર્યા હતા.

દક્ષિણ આફ્રિકાની સીનીયર જર્નાલીસ્ટ રીબેકા એલેન ડેવીસે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્યમંદિરની કલાકૃતિ અદભૂત છે. આ પ્રકારની કલાકૃતિ પ્રથમ વાર જોઇ છે. બેનમૂન ઇતિહાસ સાથે ઉત્તમ કલાગીરીના સૂર્યમંદિર નિહાળવાથી અનેરો આનંદ જોવા મળ્યો છે.
આર્જેન્ટીયાના 02,ઓસ્ટ્રેલિયા 02,બ્રાઝીલ 01,જર્મની 01,ઇન્ડોનેશીયા 02,ઇટાલી 02,જાપાન 02,કોરીયા 02,મેક્સીકો 02,રશિયા 02,સાઉદ અરેબીયા 01,સાઉથ આફ્રિકા 02, તુર્કી 02,યુ.કે02 અન સ્પેનના 02 મળી 26 મિડીયા ડેલીગેશને સુજાણપુર સોલર પ્લાન્ટ અને સૂર્યમંદિર મોઢેરાની મુલાકાત લીધી હતી.