Site icon Revoi.in

ગુજરાતમાં NRI મોટી સંખ્યામાં આવ્યા હોવાથી વિદેશી ફ્લાઈટના ભાડાં વધ્યા, હવે ફેબ્રુઆરીથી ઘટશે

Social Share

અમદાવાદઃ અમદાવાદમાં એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવને લીધે વિદેશમાં વસવાટ કરતા હરિભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેમજ એનઆરઆઈ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાથી વિદેશી વિમાની સેવાના ભાડામાં ધરખમ વધારો થયો છે. કોરોના કાળમાં વિમાની કંપનીઓએ જે ખોટ કરી હતી, તે સરભર કરી રહી છે. વિમાની ભાડામાં તોતિંગ વધારાને કારણે વિદેશમાં ભણવા માટે જતાં વિદ્યાર્થીઓને વિમાનની મોંઘી ટિકિટો ખરીદવાની ફરજ પડી રહી છે. જોકે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં પ્રવાસીઓનો ધસારો આગામી ફેબ્રુઆરી સુધી જ જોવા મળશે. ત્યારબાદ વિમાનની ટિકિટના ભાવ રાબેતા મુજબ થઈ જશે. એવું ટ્રાવેલ્સ બુકિંગ એજન્ટોનું માનવું છે.

અમદાવાદમાં  14 ડિસેમ્બરથી એક મહિના માટે શરૂ થયેલા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવને લીધે રાજ્યમાં એનઆરઆઈની ભારે આવનજાવન થઈ રહી છે. આ મહોત્સવમાં ભાગ લેવા માટે  વિદેશથી મોટીસંખ્યામાં હરિભક્તો ગુજરાતમાં આવી રહ્યા છે. પ્રવાસીઓના ધસારાને લીધે વિમાન કંપનીઓએ પોતાના ભાડામાં અસહ્ય વધારો કર્યો છે. ત્યારે ફેબ્રુઆરી, 2023 સુધી ભાડા ઊંચા રહેવાની શક્યતા છે. ઇન્ટરનેશલ ફ્લાઈટના એક બુકિંગ એજન્ટે જણાવ્યું હતું કે ગુજરાતમાં  લગ્નગાળાની સિઝન  હતી. તેમજ હાલ શતાબ્દી મહોત્સવને કારણે વિમાની ભાડા વધી ગયા છે. ખાસ કરીને કોવિડ પછીના ચાર-પાંચ મહિનાઓ સુધી એનઆરઆઈએ વતનની મુલાકાત લીધી ન હતી. તે લોકોનો પણ સારો એવો ધસારો છે. સામાન્ય રીતે આ ધંધાની સિઝનમાં જોઈએ તો ઉનાળુ વૅકેશન અને દિવાળી વૅકેશન, ત્યારબાદ એનઆરઆઈ સિઝન હોય છે જે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. હાલમાં દરેકનો ફ્લાઈટ લોડ ફુલ જાય છે. સામાન્ય રીતે ઍરલાઈન્સ પોતાનો એક ટાર્ગેટ નક્કી કરતા હોય છે, જેમાં તેઓ અમુક સિટનું ભાડું ઊચું અને અમુકનું નીચું ભાડું વસૂલે છે. જેમ જેમ ફ્લાઈટ લોડ વધે તેમ ભાડા વધતા જાય છે. હાલ એનઆરઆઈ સિઝન ચાલતી હોવાથી ઊંચા ભાડા 15 ફેબ્રુઆરી સુધી  રહેશે ત્યારબાદ થોડી રાહત મળી શકે છે.  ફ્લાઈટના ભાડા વધારા માટે અનેક પરિબળો કામ કરતા હોય છે.
હાલમાં કેટલું ભાડું વધારી શકાય તે માટે સરકારનો કોઈ નિયમ નથી.