Site icon Revoi.in

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી રાજસ્થાનથી લવાતો વિદેશી દારૂ પકડાયો,

Social Share

પાલનપુરઃ ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓને ડ્રાઈવર સાથેની કાર ફાળવવામાં આવતી હોય છે. કેટલાક અધિકારીઓના ડ્રાઈવરો કાર પોતાના ઘરે લઈ જતાં હોય છે. જેમા ઘણીવાર ડ્રાઈવરો સરકારી કારનો દૂરોપયોગ કરતા હોય છે. બનાસકાંઠાના અમીરગઢ તરફથી આવતી સરકારી કારમાંથી વિદેશી દારૂ પકડાયો હતો. પુરફાટ ઝડપે આવતી કારે બાઈક અને રિક્ષાને ટક્કર મારીને અકસ્માત કરતા પોલીસ દોડી આવી હતી. અને તપાસ કરતાં સરકારી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારના ડ્રાઈવર સહિત બે શખસોની અટકાયત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠાના અમીરગઢ તરફ રાજસ્થાનથી  આવી રહેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં વિદેશી દારૂના જથ્થો સાથે બે શખ્સો ઝડપાઈ ગયા હતા. દારૂ ભરીને બેફામ ગાડી ચલાવતા કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લઈ અકસ્માત સજાયો હતો. ત્યારબાદ પાલનપુરપોલીસે દારૂ ભરેલી કાર સહિત બે શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે લોકો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. જે અંતર્ગત ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસી હતી. સરકારી કાર પૂરઝડપે  ખેમાણા ટોલટેક્સ પરથી પસાર થઈ, તે સમયે પેટ્રોલિંગમાં ઉભેલા પોલીસે કારને રોકાવાનો પ્રયાસ કરતા કારચાલકે કાર  ઉભી રાખી નહોતી. જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન આ કારચાલક ત્યાંથી આવી ગઠામણ સર્કલ પાસેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે સમયે એક બાઈક અને બે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં એક રિક્ષા ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ પોલીસે આ કારને ઝડપી પાડી હતી અને કાર ચાલક હિતેશ મહેરીયા અને જગદીશ પરમારને કારમાંથી બહાર કાઢી તપાસ કરતા કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર અને દારૂ સહિત કુલ 5.74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારચાલક સહિત બંને ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ આબુરોડ ખાતેથી વકીલ નામના વ્યક્તિ પાસેથી આ દારૂનો જથ્થો ભરીને ગુજરાતમાં આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ કરી છે.