નવી દિલ્હીઃ માલદીવના વિદેશ મંત્રી મુસા જામીર ભારતની મુલાકાતે છે. આ દરમિયાન દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશોએ પરસ્પર સંબંધોના તમામ પરિમાણોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રીએ વાટાઘાટો દરમિયાન તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું હતું કે, નજીકના પડોશીઓ તરીકે અમારા સંબંધોનો વિકાસ સ્પષ્ટપણે પરસ્પર હિતો અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, આપણે આપણા સંબંધોને કેવી રીતે વધુ સારી રીતે આગળ લઈ જઈ શકીએ તેના પર સર્વસંમતિ સાધવી એ આપણા સામાન્ય હિતમાં છે.
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું હતું કે, ભારત અનેક પ્રસંગોએ માલદીવ માટે પ્રથમ સહાયક રહ્યું છે. ભારત માલદીવને વિકાસ સહાયનો મુખ્ય પ્રદાતા રહ્યો છે. અમારા પ્રોજેક્ટ્સથી તમારા દેશના લોકોને ફાયદો થયો છે. જીવનની ગુણવત્તામાં ફાળો આપ્યો છે. તમને જણાવી દઈએ કે, માલદીવમાં નવી સરકાર બન્યા બાદ વિદેશ મંત્રી ઝમીર ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે.
માલદીવના વિદેશ મંત્રી મુસા જમીરે કહ્યું હતું કે, અમે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માલદીવ અને ભારત વચ્ચે વધતી ભાગીદારી પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. અમે પરસ્પર આદર અને સમજણ પર આધારિત અમારી દ્વિપક્ષીય ભાગીદારીના લાંબા ઇતિહાસ પર પ્રતિબિંબિત કર્યું. ટેકનિકલ સ્ટાફ સાથે માલદીવથી માનવતાવાદી સહાય માટે તૈનાત અધિકારીઓની બદલીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માલદીવમાં સત્તા પરિવર્તન બાદ ભારત અને માલદીવના સંબંધમાં ખટાશ આવી છે. એટલું જ નહીં માલદીવ ભારત સાથેના સંબંધ ઘટાડીને ચીન સાથે સંબંધ વધારે મજબુત કરવા પ્રયાસો કરી રહ્યું છે.