UAE ના વિદેશ મંત્રી ભારત આવશે,દ્વિપક્ષીય મુદ્દાઓ પર કરશે ચર્ચા
દિલ્હી:સંયુક્ત અરબ અમીરાત (UAE) ના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન 21 નવેમ્બરના રોજ બે દિવસીય ભારતની મુલાકાતે આવી રહ્યા છે.આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધો સહિત સામાન્ય હિતોને લગતા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
વિદેશ મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી.મંત્રાલયના નિવેદન અનુસાર, શેખ અબ્દુલ્લાની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવી રહ્યું છે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે.
નિવેદન અનુસાર, UAEના વિદેશ મંત્રીની આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત પરામર્શનો એક ભાગ છે જેમાં સામાન્ય હિતના દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 જૂન 2022 ના રોજ સંયુક્ત અરબ અમીરાતની મુલાકાત લીધી હતી જે દરમિયાન તેઓ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળ્યા હતા.
વિદેશ મંત્રી એસ જયશંકરે 31 ઓક્ટોબરથી 2 સપ્ટેમ્બર 2022 સુધી સંયુક્ત અરબ અમીરાતની મુલાકાત લીધી અને 14મી સંયુક્ત આયોગની બેઠક અને વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ સાથે 3જી વ્યૂહાત્મક સંવાદની સહ-અધ્યક્ષતા કરી હતી.