Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે આજરોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું ઉદ્ઘાટન કર્યું હતું. એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરની મુલાકાતે છે. તે 7 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રહેશે અને 8 નવેમ્બરે સિંગાપોર જશે. આ ઉદ્ઘાટન સમારોહમાં ક્વીન્સલેન્ડના ગવર્નર ડૉ. જીનેટ યંગ અને મંત્રીઓ રોસ બેટ્સ અને ફિયોના સિમ્પસન સહિતના મુખ્ય અધિકારીઓએ હાજરી આપી હતી. એક અલગ બેઠકમાં એસ. જયશંકરે ગવર્નર યંગ સાથે આર્થિક, વેપાર અને રોકાણ સહયોગ અંગે ચર્ચા કરી હતી.

વિદેશ મંત્રીએ પોસ્ટ કરીને જણાવ્યુ, આજે બ્રિસ્બેનમાં ક્વીન્સલેન્ડના ગવર્નર ડૉ. જીનેટ યંગને મળીને આનંદ થયો. અગાઉ, એસ. જયશંકરે બ્રિસ્બેનમાં રોમા સ્ટ્રીટ પાર્કલેન્ડ ખાતે સ્થિત પ્રતિમા પર ફૂલ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદેશ મંત્રીએ આજરોજ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા. તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને મજબૂત કરવા માટે ચાર મુખ્ય પરિબળોનો ઉલ્લેખ કર્યો હતો.

ક્વીન્સલેન્ડમાં 15,000-16,000 વિદ્યાર્થીઓ સહિત 125,000 ભારતીયો રહે છે. તેમની નોંધ લેતા એસ. જયશંકરે ભારત માટે રાજ્યના આર્થિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતમાં ઓસ્ટ્રેલિયાની નિકાસનો 75 ટકા આ રાજ્યમાંથી આવે છે. ઓસ્ટ્રેલિયાની મુલાકાત બાદ વિદેશ મંત્રી જયશંકર 8 નવેમ્બરે સિંગાપોરની મુલાકાત લેશે, જ્યાં તેઓ ASEAN-ભારત થિંક ટેન્ક નેટવર્કના 8 મા રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ બંને દેશ વચ્ચેની ગાઢ ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ વધારવા માટેની તકો શોધવા માટે સિંગાપોરના નેતૃત્વને પણ મળશે.