ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય, નિયામક ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે “ફોરેન્સિક હેકાથોન”નું આયોજન કરાયું છે. તા.2જી ફેબ્રુઆરી, 2023થી ત્રિ-દિવસીય “25મી ઓલ ઈન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સ” પણ યોજાશે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દેશની સૌ પ્રથમ ફોરેન્સિક હેકાથોન 2023નું ઉદ્દઘાટન કરતાં કહ્યું કે, દેશની સઘન સુરક્ષા અને કાયદો વ્યવ્સ્થામાં ફોરેન્સિક હેકાથોન મહત્વની ભૂમિકા ભજવશે. ગુનાની તપાસ પર પણ સકારાત્મક અસર કરશે.
મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. સ્વદેશી ઉત્પાદનોનું મહત્વ દેશના બહુઆયામી વિકાસમાં ખૂબ જ મહત્વનું છે. સંરક્ષણ તેમજ ફોરેન્સિક ક્ષેત્રે મોટાભાગના સાધનો અને તકનીકો અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવે છે. ફોરેન્સિક ક્ષેત્રની આ આયાતને ઘટાડી આત્મનિર્ભર ભારતની દિશામાં યુવાઓને પ્રોત્સાહિત કરવા આ ફોરેન્સિક હેકાથોન મહત્વની સાબિત થશે.
તેમણે ઉમેર્યું કે, આજે ભારત વિશ્વભરમાં 77,000 થી વધુ માન્ય સ્ટાર્ટઅપ્સ સાથે ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. તથા ભારત આજે 340 બિલિયન ડોલરના 100 થી વધુ યુનિકોર્ન ધરાવે છે. ફોરેન્સિક સાયન્સના સાધનોના ઉત્પાદનને રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં બનતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને ઝડપથી ઉકેલવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોને રાજ્યના પોલીસ સ્ટેશનો ખાતે કામગીરી સોંપાશે જ્યાં તેઓ ગુનાની તપાસના પ્રથમ દિવસથી જ પોલીસ સાથે રહીને ગુનાને ઝડપથી ઉકેલવામાં મદદ કરશે. આમ પોલીસ, ન્યાયતંત્ર અને ફોરેન્સિક વૈજ્ઞાનિકોના સમન્વયથી દેશની સુરક્ષા વધુ સઘન બનશે.
ગુજરાત સલામતીની દૃષ્ટિએ સમગ્ર ભારતમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે, તેમ જણાવતાં મંત્રી સંઘવીએ કહ્યું કે કાયદાનું ચુસ્ત પાલન, ઉત્કૃષ્ટ સુશાસન અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ સુરક્ષા પાછળના મહત્વના પરિબળો છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત”ના સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે દેશની સૌપ્રથમ ફોરેન્સિક હેકાથોનનું આયોજન NFSU ખાતે કરવામાં આવ્યું છે. હાલ દેશના દરેક ક્ષેત્રમાં 90થી 95 ટકા ટેક્નોલોજી વિદેશથી આયાત કરવી પડે છે ત્યારે આ “ફોરેન્સિક હેકાથોન” દ્વારા ગુનાની તપાસમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજી અને સાધનોનું નિર્માણ ભારતમાં જ થાય તો ખરા અર્થમાં “મેક ઈન ઇન્ડિયા”નું સ્વપ્ન સાકાર થશે. “ફોરેન્સિક હેકાથોન “માં શિક્ષણવિદોની સાથે ઉદ્યોગ સાહસિકો પણ ઉપસ્થિત રહ્યાં છે, જેને કારણે પ્રથમ વર્ષે જ કુલ 58 અરજીઓ પ્રાપ્ત થઈ છે.દેશના અર્થતંત્રની પ્રગતિ ફોરેન્સિક સાયન્સના વિકાસ ઉપર નિર્ભર છે, એમ કહીને ક્રોએશિયાથી આવેલા વિખ્યાત ફોરેન્સિક વિજ્ઞાની અને પ્રોફેસર ડો. ડ્રેગન પ્રિમોરેકે જણાવ્યું કે ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ બે મહાન દૂરંદેશી નેતાઓ આપ્યા છે. જેમનો ભારતના ભાવિમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે.
અમેરિકાના પ્રો.ચાર્લ્સ હોલેન્ડે જણાવ્યું હતું કે પર્યાવરણલક્ષી ગુનાખોરી નજરે પડતી નથી, તેની અસરો લાંબાગાળે ઘાતક હોય છે એમ જણાવી તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
નિયામક ફોરેન્સિક સાયન્સ સર્વિસીસ (DFSS)ના ચીફ ફોરેન્સિક સાયન્ટિસ્ટ ડો.એસ.કે.જૈને આભાર પ્રવચન આપ્યુ હતું. આ પ્રસંગે NFSUના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. ડૉ. પૂર્વી પોખરિયાલ, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી.જાડેજા, સ્કૂલ ઓફ ફોરેન્સિક સાયન્સના ડીન ડો.સતીશ કુમાર સહિત દેશ-વિદેશથી આવેલા ફોરેન્સિક વિજ્ઞાનીઓ, પોલીસ અધિકારીઓ, ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.