દિલ્હી:નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના મુખ્ય અતિથિ પદે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર, કાયદા અને ન્યાય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, યુગાન્ડાના સંરક્ષણ મંત્રી અને વેટરન અફેર્સ વિન્સેન્ટ સેમ્પિજ્જા, કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના આઇપીસી-સીઆરપીસી અને એવિડન્સ એક્ટમાં નજીકના ભવિષ્યમાં જ કેટલાક જરૂરી સુધારાઓ કરવા જઈ રહ્યા છે જેના થકી દેશભરની ક્રિમિનલ જસ્ટીસ ડિલિવરી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને કન્વીક્સન રેટનો ગ્રાફ ઉપર આવશે. જે પૈકીનો એક મહત્વપુર્ણ સુધારો એ હશે કે ગંભીર ગુનાઓ કે જેમાં છ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય તેવા ગુનાઓમાં “ફોરેન્સિક તપાસ” ફરજિયાત કરવામાં આવશે. જેનાથી આવા જઘન્ય ગુનાઓમાં દોષ સિદ્ધિનો દર વધારવામાં મદદ મળશે તેમ જ તપાસની નિષ્પક્ષતા અને પારદર્શિતા પણ વધશે.
આ માટે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ફોરેન્સિક સાયન્સ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આ જરૂરી સુધારા કરતા પહેલાં સમગ્ર દેશમાં ફોરેન્સિક નિષ્ણાંત અને સંબંધિત સપોર્ટ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉભી કરી દેવામાં આવશે.