અમદાવાદ:સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સાનિધ્યમાં કેવડીયા ખાતે કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ ઝુલોજીકલ પાર્ક, કેવડીયાનાં યજમાનપદે આયોજીત બે દિવસીય પ્રાણીસંગ્રહાલયોનાં નિયામકો અને પશુચિત્સકોનાં સંમેલન કેન્દ્રીય વન,પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો.આ સંમેલનમાં ભારતનાં વિભિન્ન રાજ્યોમાંથી પધારેલ 100થી વધુ પ્રાણીસંગ્રહાલયોના પ્રતિનિધીઓએ સહિત અલગ-અલગ રાજ્યોનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન પણ તેમાં જોડાયા હતા.
સમાપન સમારોહને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યુ હતું કે,ભારતમાં વન્યજીવોનાં સંરક્ષણ માટે જીવદયાપ્રેમી સંસ્થાઓ આગળ આવી રહી છે જે ઘણી જ સારી બાબત છે, આગામી સમયમાં વન્યજીવોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે જનભાગીદારી વધારવાની હિમાયત પણ તેઓએ કરી હતી.પ્રધાનમંત્રીની દ્રષ્ટિ રહી છે કે માત્ર ઓદ્યોગિક વિકાસ જ નહી, પણ પ્રકૃત્તિનાં જતન સાથે આદિવાસી સમુદાયનો વિકાસ કરવો અને તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત કેવડીયા કોલોની છે. કેવડીયામાં આવીને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને મને આશા છે અત્રે મળેલ સંમેલનની ફળશ્રુતિ આગામી સમયમાં કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણની પ્રાણી-સંરક્ષણની કામગીરી વધુ સઘન અને અસરકારક બનાવવામાં ઉપયોગી બની રહેશે.વિશ્વનો પશુ-પક્ષીઓનો સૌથી સમૃધ્ધ ભંડાર ધરાવતા ભારત દેશમાં વન્યજીવોને બચાવવાનું સદકાર્ય વનવિભાગનાં અધિકારીઓ ખુબ જ ખંતથી કરી રહ્યા છે આ કાર્યને મંત્રી યાદવે બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
સમારોહમાં ઉપસ્થિત ગુજરાતનાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક, કેવડીયાનાં લોકાર્પણને એક વર્ષ પણ પૂર્ણ થયુ નથી અને રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ તેની મુલાકાત લઇ ચુકયા છે અને જે રીતે અહિયા સર્વોત્તમ સુવિધા પ્રવાસીઓને પૂરી પાડવામાં આવી છે અને ભારતની તથા વિશ્વની અમુલ્ય વન્યજીવ સંપદાનાં સંરક્ષણ માટે અદભુત કાર્ય થયુ છે અને સાનુકૂળ વાતાવરણ ખુબ જ ટૂંકા સમયમાં પુરુ પાડવામાં સફળ થયા છે જે આપણા માટે ગર્વની બાબત છે અને અનુકરણીય પણ છે. આ બે દિવસીય સંમેલનમાં પ્રાણી સંગ્રહાલયનાં સંચાલન અને વન્યજીવ સંપદાનાં સંવર્ધન અને સંરક્ષણ માટે થયેલ સફળ પ્રયત્નો અને વિચારોનું આદાન-પ્રદાન થયુ છે ત્યારે આગામી સમયમાં તે સૌને ઘણુ ઉપયોગી થશે.
સમારોહમાં વન્યજીવોનાં શિકાર અટકાવવા સારૂ જનજાગૃતિ લાવવા માટે એક ટૂંકી ફિલ્મ મહાનુભવોએ નિહાળી હતી. આ ઉપરાંત કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ દ્વારા પ્રકાશિત આગામી ૧૦ વર્ષનાં રોડમેપ નક્કી કરતી પુસ્તિકાનું વિમોચન કર્યુ હતુ. આ ઉપરાંત પ્રાણીસંગ્રહાલયોમાં વન્યજીવોનાં સંરક્ષણ અને સંવર્ધન માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર નિયામક્શ્રી, પશુચિકિત્સક, એનિમલ કિપર અને બાયોલોજીસ્ટને પ્રાણી-મિત્ર એવોર્ડ એનાયત કરીને બહુમાન કરાયું હતું.