Site icon Revoi.in

વાવાઝોડામાં ગીરકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા 18 સિંહને શોધવા વન વિભાગની કવાયત

Social Share

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી.

વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના મહુવા તાલુકામાંથી 18 સિંહ ગુમ થયા છે. આ ત્રણ જિલ્લાઓ આશરે 40 જેટલા સિંહનું ઘર છે. રાજ્યના રાજુલા, મહુવા, ઊના સહિત પાંચ તાલુકામાંથી 18 સિંહની ભાળ મેળવવા માટે વન વિભાગે દોડધામ શરૂ કરી છે. ઘણાએ આશા વ્યક્ત કરી હતી કે, અન્ય જંગલી પ્રાણીઓએ ઊંચાઈવાળા વિસ્તારોમાં આશરો લીધો હશે.

હકીકતમાં, સૌરાષ્ટ્ર-જે દુનિયામાં એશિયાઈ સિંહો માટે એકમાત્ર નિવાસસ્થાન છે.  સિંહોનો જ્યાં વસવાટ છે, તે વિસ્તારો વાવાઝોડાના કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે. વન વિભાગ દ્વારા તમામ 674 સિંહનો વિસ્તૃત સર્વે કરાશે, જેમની ગણતરી છેલ્લે 2020માં પૂર્ણિમા અવલોકનમાં કરવામાં આવી હતી. તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રના મોટાભાગના દરેક જિલ્લાઓને નુકસાન પહોંચાડ્યું છે. ફોરેસ્ટ બીટ ગાર્ડ્સ અને અધિકારીઓને તમામ 674 સિંહ વિશે જાણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જેની ગણના 2020 યોજાયેલી અનૌપચારિક વસ્તી ગણતરીમાં કરવામાં આવી હતી’, તેમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 674 સિંહમાંથી 340 જેટલા સિંહ ગીર અભ્યારણ્યની બહાર અને અમરેલી, ભાવનગર, પોરબંદર. ગીર સોમનાથ અને જુનાગઢ જેવા પાડોશી વિસ્તારોમાં રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભૂતકાળમાં પૂરથી બચવા માટે સિંહો પહાડ ચઢી ગયા હોય અથવા ઉંચી સુરક્ષિત જગ્યાએ ગયા હોય તેવું બન્યું હતું. ‘2015માં અમરેલીમાં આવેલા પૂર દરમિયાન 20 સિંહ ગુમ થયા હતા. જેમાંથી 14 મૃત્યુ પામ્યા હતા જ્યારે બાકીના ટેકરીઓ પર બેઠેલા જોવા મળ્યા હતા.જો કે, સ્થાનિક નિષ્ણાતો ચિંતિંત હતા કે, શું સિંહ અત્યંત તીવ્ર વાવાઝોડા જેવી મોટી પ્રતિકૂળ ઘટનાને સમજવા માટે સજ્જ હશે. ‘આવી કુદરતી આફત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભાગ્યે જ આવી છે. તેથી સિંહ કેવું વર્તન કર્યું હશે તે અંગે ખાતરી નથી’, તેમ સિંહ નિષ્ણાતે કહ્યું હતું.