વડોદરાઃ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો વધતા જાય છે. અને મગરો રોડ-રસ્તાઓ અને રહેણાંક વિસ્તારમાં પણ આટાંફેરા મારતા જોવા મળે છે. ત્યારે તાજેતરમાં શહેરના કારેલીબાગમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં 7 ફૂટનો મગર આંટા મારતો જોવા મળતા રહીશોમાં ભય ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગની ટીમે પહેલા મગરને પકડવા દોરડાનો ગાળિયો કરીને ફેંક્યું હતું, પરંતુ મગર તેમાંથી છટકી ગયો હતો. ત્યારબાદ ફરી એકવાર ગાળિયો કરીને ફેંકતા મગરના જડબા પર દોરડું વીંટાઇ ગયું હતું અને ઊછળકૂદ કરતા મગરને શાંત પાડી દીધો હતો. બાદમાં એક યુવકે મગરની માથે બેસીને તેનું જડબું પકડી લીધું હતું અને 5 લોકોએ મગરને કાખમાં તેડીને સલામત રેસ્ક્યુ કરતા સોસાયટીના રહીશોમાં હાશકારો થયો હતો.
વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે અને વિશ્વામિત્રી નદીની સપાટી પણ સામાન્ય વધી છે. જેને પગલે વિશ્વામિત્રી નદીમાંથી મગરો બહાર નીકળીને રહેણાક વિસ્તારોમાં જવા લાગ્યા છે, ત્યારે શહેરના કારેલીબાગમાં આવેલી વર્ધમાન સોસાયટીમાં એક મગર ઘૂસી આવતા સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી. ગભરાયેલા લોકોએ તુરંત જ વડોદરા રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. જેને પગલે વડોદરા રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે એક રહેણાંકના મકાન નજીક 7 ફૂટનો મગર આરામથી ફરતો હતો. આથી વન વિભાગના કર્મચારીઓ અને રેસ્ક્યૂ ટીમ સાથે મળીને મગરને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૂ કરી હતી. વડોદરા રેસ્ક્યૂ ટીમ સાથે મળીને ભારે જહેમત બાદ મગરને સહી સલામત રેસ્ક્યૂ કર્યો હતો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ મગરને વિશ્વામિત્રી નદીમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 16 ફૂટે પહોંચી છે.
વન વિભાગના કહેવા મુજબ વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ એક હજાર કરતાં વધુ મગરો છે. મગરનો નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતાં તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઈ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયાં કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.