Site icon Revoi.in

ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારોનું આંદોલન, પોલીસે 100ની અટકાયત કરી

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રામકથાના મેદાન પર ફોરેસ્ટગાર્ડ ભરતીના ઉમેદવારો પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબુદ કરવા તેમજ ભરતીમાં નોર્મલાઈઝેશન કર્યા બાદ માર્ક્સ જાહેર કરવાની માગ સાથે ગઈકાલે સોમવારથી ઘરણા પર ઉતર્યા હતા. અને વરસાદી માહોલમાં પણ ઉમેદવારોએ રામકથા મેદાન પર રાત વિતાવી હતી. દરમિયાન આજે સવારે પોલીસ કાફલાએ ધસી જઈને 100થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી.

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી ફોરેસ્ટ ગાર્ડની સ્પર્ધાત્મક પરીક્ષામાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરી ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં સોમવારથી ગાંધીનગરમાં ધરણાં કરી રહેલા ઉમેદવારોને આજે સવારે પોલીસે ડિટેઇન કર્યા હતા. અંદાજિત 100થી વધુ ઉમેદવારોને પોલીસે રામકથા મેદાન તેમજ ઘ – 4 ગાર્ડનમાંથી ડિટેઇન કર્યા હતા. ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારોએ વરસાદી માહોલમાં રામકથાના મેદાનમાં જ રાત વિતાવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ઉમેદવારોની સાથે રહ્યા હતા.  બીજી તરફ આ સમગ્ર મામલે આપના નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને વહેલી સવારે સૂતેલા વિદ્યાર્થીઓની અટક કરવાની ઘટનાને પીઠ પાછળ ઘા સમાન ગણાવી હતી.

ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં સીબીઆરટી  પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ પીડીએફ  જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગઈકાલ સોમવારથી ગાંધીનગરના રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું. રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. તેમજ પોલીસ અધિકારીઓને પણ મેદાન પર ડ્યૂટી પર મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કે મામલતદાર દ્વારા આ ઉમેદવારોને રામકથા મેદાનમાં આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી ન હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની તૈયારી હતી, પરંતુ ઉચ્ચ કક્ષાએથી આદેશ ન છૂટતા પોલીસે કાર્યવાહી કરી ન હતી. જો કે, આજ સવાર પડતાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી.

ગાંધીનગરના રામકથા મેદાનમાં પોલીસ દ્વારા આજે જેટલા પણ ઉમેદવારોને ડિટેઈન કર્યા હતા. તેમને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યાં હતા. બીજી તરફ બહાર રહેલા ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, જ્યા સુધી યુવરાજસિંહને છોડવામાં નહી આવે ત્યા સુધી આ આંદોલન ચાલુ જ રહેશે. ‘યુવરાજ સિંહને મુક્ત કરો’ તેવા નારા પણ લગાવ્યાં હતા.