1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અંબાજીના પદયાત્રાના માર્ગો પર ઝીરો વેસ્ટ અભિયાન, સેવાભાવી ટીમને ફ્લેગઓફ કરાવતા વનમંત્રી
અંબાજીના પદયાત્રાના માર્ગો પર ઝીરો વેસ્ટ અભિયાન, સેવાભાવી ટીમને ફ્લેગઓફ કરાવતા વનમંત્રી

અંબાજીના પદયાત્રાના માર્ગો પર ઝીરો વેસ્ટ અભિયાન, સેવાભાવી ટીમને ફ્લેગઓફ કરાવતા વનમંત્રી

0
Social Share

ગાંધીનગરઃ  ભાદરવી પૂનમ મેળા નિમિત્તે રાજ્યભરમાંથી લાખ્ખો ભાઈ ભક્તો ‘મા’ અંબાના દર્શન માટે પગપાળા અંબાજી જતા હોય છે. ‘મા’ અંબાની આરાધના એવી અંબાજી પગપાળા યાત્રાને લાખ્ખો માઈ ભક્તો શ્રદ્ધાની સાથે સાથે ‘ઝીરો વેસ્ટ’નો ઉત્સવ બનાવે તેમ, વન અને પર્યાવરણ મંત્રી  મૂળુભાઈ બેરાએ ગાંધીનગર ખાતે ‘અંબાજી પદ યાત્રા-ઝીરો વેસ્ટ’ ઉત્સવ પ્રસંગે જણાવ્યું હતું.

અંબાજી પગપાળા યાત્રા ‘હરિત યાત્રા’ની સાથે સાથે ઝીરો વેસ્ટ’નો ઉત્સવ બની રહે, તેવા ઉમદા હેતુથી પગપાળા જવાના માર્ગ પર ઉત્પન્ન થતા કચરાના એકત્રીકરણ અને યોગ્ય નિકાલ માટે ગાંધીનગરથી સ્વયંસેવકોની ટીમને વન અને પર્યાવરણ મંત્રી  મૂળુભાઈ બેરાના હસ્તે રાજ્ય મંત્રી  મુકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ચ-૦ નર્સરી, ગાંધીનગર ખાતેથી આજે ‘ફ્લેગ ઓફ’ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી  મૂળુભાઈએ કહ્યું હતું કે, પ્રતિ વર્ષ “આશરે 25 થી 30 લાખ ભક્તો પગપાળા યાત્રા કરે છે. 300 કિમી જેટલા અંબાજી પગપાળા માર્ગ પર ઉદ્દભવતા કચરાનું વ્યવસ્થાપન કરી પર્યાવરણની જાળવણી કરવી આવશ્યક છે. આજનો આ “અંબાજી પદયાત્રા ઝીરો વેસ્ટ” ઉત્સવએ “શ્રધ્ધા સાથે પર્યાવરણના સંરક્ષણનો સમન્વય” બની રહેશે.” વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોનો નાનો પ્રયાસ સ્વચ્છતાનો મોટો સંદેશ આપે છે. ભાદરવી પૂનમે અંબાજી પગપાળા દર્શને જતાં લાખ્ખો પદયાત્રીઓ દ્વારા વિવિધ કેમ્પો પર ઉત્પન્ન થતાં પ્લાસ્ટિક સહિતના કચરાને એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવો પણ મા અંબાની ઉમદા ભક્તિ જ છે. આપણા દેશમાં ઉજવાતા વિવિધ ઉત્સવો નવી ચેતના સાથે એકબીજાને જોડે છે. ભાદરવી પૂનમે દર વર્ષે અંબાજી ખાતે યોજાતા સૌથી મોટા ધાર્મિક મેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં યાત્રીઓ માટે પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા ‘‘સ્વચ્છ ભારત, મિશન LIFE’’, જેવા અભિયાનો લોકભાગીદારીના સહયોગ થકી સફળ થયા છે. અંબાજી પગપાળા જતા યાત્રીઓને મદદરૂપ થવા-સેવા કરવા આ રૂટમાં આવતા વિવિધ ગામોના યુવક મંડળો, ગરબી મંડળો, વિવેકાનંદ કેન્દ્રો અને ડેરી જેવી સહકારી સંસ્થાઓ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો અનુરોધ કરીને મંત્રીશ્રીએ અભિયાનમાં સહયોગી 100 સાયકલ સવાર સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે GPCB અંતર્ગત સ્વચ્છતાની નવતર પહેલને બિરદાવતા કહ્યું હતું કે, અંબાજી પગપાળાના અંદાજે 300 કિ.મીના ત્રણ રૂટને સ્વચ્છ રાખીને સામાન્ય નાગરિકોને સ્વચ્છતાનો ઉમદા સંદેશ આપવાનું ભગીરથ કાર્ય અન્ય માટે પ્રેરણારૂપ સાબિત થશે. વડાપ્રધાન દ્વારા 15 ઓગસ્ટ 2014માં જાહેર કરાયેલ ‘સ્વચ્છ ભારત’ અભિયાનના સંકલ્પને નાના બાળકથી વડીલ સુધી તમામે સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. ઝીરો વેસ્ટ ઉત્સવમાં જોડાયેલા 100 જેટલા સ્વયંસેવકો  વિવિધ સેવા કેમ્પ પરથી કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ-વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને માર્ગની સાથે સાથે ગુજરાત-ભારતને સ્વચ્છ બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તે તમામને મંત્રીશ્રીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code