Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં આવેલા કઠુઆ અને રાજૌરીના જંગલો આગની ચપેટ

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આવેલા કઠુઆ અને રાજૌરીના જંગલો આગની ચપેટમાં આવ્યા છે. આગના કારણે જંગલની સંપત્તિને ઘણું નુકસાન થયું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ બશોલી પટ્ટાના ડોગાનો નદીમાંથી શરૂ થઈ હતી, જે ધીમે ધીમે આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આ પછી ઘણા કલાકો બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

 રાજૌરીના સવાણી સાસલકોટ વિસ્તારમાં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી. વન વિભાગ અને ફોરેસ્ટ પ્રોટેક્શન ફોર્સે મોટા પાયે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી છે, જે હજુ પણ ચાલુ છે. રાજૌરીના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી જંગલમાં આગ લાગી છે. જો કે જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. 

આ વખતે ભારે ગરમીના કારણે દરરોજ જંગલમાં આગ લાગવાના બનાવો નોંધાઈ રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા જંગલોને આગથી બચાવવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. આ આગને કારણે માત્ર વનસંપત્તિ જ નહીં પરંતુ વન્ય પ્રાણીઓને પણ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ જંગલોને આગથી બચાવવા માટે કોઈ પગલાં લેવાઈ રહ્યાં નથી.

આ અંગે ફોરેસ્ટ પ્રોટેક્શન ફોર્સના ડેપ્યુટી ડાયરેક્ટર મકસૂદ ચૌધરીનું કહેવું છે કે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમારા કર્મચારીઓ અને સામાન્ય લોકો આગ પર કાબૂ મેળવવામાં વ્યસ્ત છે. આશા છે કે આગ જલ્દી કાબુમાં આવી જશે.