GTU દ્વારા લેવાનારી પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના
અમદાવાદઃ યુનિવર્સિટીઓમાં હાલ પરીક્ષાની મોસમ ચાલી રહી છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરીની અવનવી ટેકનિક અપનાવતા હોય છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીની સેમેસ્ટ-5 અને સેમેસ્ટર-7ની પરીક્ષા આગામી જાન્યુઆરી મહિનામાં યોજાશે. આ પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓને પકડવા માટે પાંચ સ્ક્વોર્ડની રચના કરી છે. ઉપરાંત સીસીટીવી કેમેરાથી પણ વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ની જાન્યુઆરીથી શરૂ થનારી બીઈના સેમેસ્ટર 5 અને 7ની પરીક્ષા દરમિયાન ચોરી ન થાય તે માટે રાજ્યની પાંચ ઝોન દીઠ પાંચ સ્ક્વોડ મૂકવામાં આવી છે. આ સ્ક્વોડ કુલપતિના સીધા જ સંકલન રહી કામ કરશે. પરીક્ષાના કોઈ પણ સ્થળેથી કુલપતિ સુધી ફોન કે ઈમેઇલના માધ્યમથી ચોરીની સીધી જ રજૂઆત કે ફરિયાદ બાદ કુલપતિના દિશાનિર્દેશ અનુસાર સ્ક્વોડ સીધી જે તે પરીક્ષા કેન્દ્ર પર ત્રાટકશે. સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, રાજકોટ, સુરત સહિતની કુલ પાંચ ઝોનમાં આવેલાં આશરે 300 પરીક્ષા કેન્દ્રોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. છેલ્લાં પાંચ વર્ષોથી આ પ્રકારે કુલપતિ કાર્યાલયના સીધા જ સંકલન સાથેની સ્ક્વોડ તહેનાત કરવામાં આવે છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પરીક્ષા કેન્દ્રમાં, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અથવા તો ગેરરીતિને રોકવાના હેતુસર આ વર્ષે પણ સ્પેશિયલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ જીટીયુ સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર પરીક્ષાનું પરિણામ 45 દિવસની અંદર જાહેર કરવામાં આવે તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારી કરી દેવાઈ છે. કોરોનાની સંભાવનાઓને જોતાં સ્પેશિયલ માર્ગદર્શિકાની પણ જાહેરાત કરવામાં આવશે.