રાજકોટ શહેર જિલ્લામાં ચૂંટણી દરમિયાન ફેક ન્યુઝ કે મેસેજને રોકવા માટે મોનિટરિંગ ટીમની રચના
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બેથી અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પણ આગોતરા આયોજનની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી તૈયારીઓમાં કોઇ કચાશ ન રહે તે માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ખાસ ચોક્કસાઈ દાખવવામાં આવી રહી છે. આ અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 906 જેટલાં મતદાન મથકો સંવેદનશીલ છે. આ મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત મૂકી દેખરેખ રાખવામાં આવશે. જિલ્લામાં 1250 બુથોનું વેબ કાસ્ટિંગ થશે અને ફેક ન્યૂઝ કે મેસેજ પર મોનિટરિંગ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 2253 જેટલાં મતદાન મથકો છે તે પૈકીના 50 ટકા એટલે કે 1250 જેટલા બુથોનું વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. ચૂંટણીના દિવસો દરમિયાન રાજકીય પક્ષો દ્વારા રોકડની હેરફેર ન થાય તે માટે સર્વેલન્સ ટીમ સ્ટેન્ડ રહેશે. ટ્રાફિક, વીડિયોગ્રાફી અને સર્વેલન્સ માટે 28 ટીમોની રચના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ફેક ન્યૂઝ પર લગામ અને મેસેજ પર મોનિટરિંગ કરવા માટે એડિશનલ કલેક્ટરના વડપણ હેઠળ ખાસ ટીમની પણ રચના કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 17 પ્રકારના નોડલ અધિકારીઓની પણ નિયુક્તિ કરી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી ખર્ચ, તાલીમ, મતદાર યાદી, ફરિયાદો માટે સહિતની જવાબદારી આ નોડલ ઓફિસરોને સોંપવામાં આવી છે. વિધાનસભાની આ ચૂંટણીમાં વૃદ્ધો અને સગર્ભાને ચૂંટણી કામગીરીમાં નહીં લેવા માટે પ્રાથમિકતા અપાઇ છે. સામાન્ય કારણોમાં કર્મચારીઓને ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ અપાશે નહીં. સર્વગ્રાહી તપાસ કર્યા બાદ કર્મચારીઓની રજા મંજૂર કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ ઉમેર્યુ હતુ કે, રાજકોટ જિલ્લામાં 15,600 જેટલાં દિવ્યાંગ મતદારો, 80 વર્ષથી વધુના 54,000 મતદારો અને 128 જેટલાં ટ્રાન્સજેન્ડરની નોંધણી થવા પામી છે. આ દિવ્યાંગ મતદારો, 80 વર્ષથી વધુ વયના વૃદ્ધ મતદારો અને ટ્રાન્સજેન્ડરોને મતદાન માટે બેલેટ પેપર મારફત મતદાન કરવાનો વિકલ્પ અપાશે. આ ઉપરાંત ચૂંટણીના દિવસો દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં ખાસ કંટ્રોલરૂમ ધમધમતો કરાશે. જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન મથકો પર ઓછું મતદાન થયેલ છે ત્યાં કલેક્ટર તથા પોલીસ વડા દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમાં મતદાન વધે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં બોગસમતદાન ન થાય તે પર બાજનજર રાખવામાં આવશે. દિવ્યાંગો, વયોવૃદ્ધો, ટ્રાન્સજેન્ડરોને બેલેટ પેપર મારફત મતદાન કરવાનો પણ વિકલ્પ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં દિવ્યાંગો, 80 વર્ષથી ઉપરના વયોવૃદ્ધો, ટ્રાન્સજેન્ડરોને બેલેટ પેપર મારફત મતદાન કરવાનો પણ વિકલ્પ અપાશે.