Site icon Revoi.in

અમદાવાદ મનપાના પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ કોંગ્રેસનો સાથ છોડ્યો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ આંતરીક જૂથવાદનો સામનો કરતા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે. તાજેતરમાં જ સિનિયર નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસનો હાથ છોડીને ગઈકાલે ભાજપમાં જોડાયાં હતા. એટલું જ ન તાજેતરમાં મધ્ય ગુજરાતના એક પૂર્વ ધારાસભ્ય પણ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. દરમિયાન આજે અમદાવાદ મનપાના કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ કોંગ્રેસનો સાથ છોડ્યો હોવાનું સામે આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામુ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને મોકલી આપ્યું છે. દિનેશ શર્માએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસની કાર્ય પ્રણાલીથી નારાજ થઈને તેમને રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમણે સોશિયલ મીડિયા મારફતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. દિનેશ શર્માએ રાજીનામું આપતા લખ્યુ કે રાજકીય નુકસાનને સ્વમાનના ભોગે સહન ન કરી શકુ, પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. સંગઠનને મજબૂત કરવા કરેલા સૂચનો પર ધ્યાન ન અપાયું. પરિણામ ન મળતા પક્ષને અલવિદા કહેવાનો છેલ્લો વિકલ્પ હતો. કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું બાદ દિનેશ શર્મા પણ ભાજપમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં હવે એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યાં હોવાથી રાજકીય તજજ્ઞોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ રહી છે.