નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના નજીકના એક રાજનેતાએ દાવો કર્યો હતો કે, પૂર્વ સેના પ્રમુખ કમર જાવેદ બાજવાએ અફઘાન તાલિબાનના કાબુલ ઉપર કબજા બાદ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન (પાકિસ્તાન) ટીટીપીના સભ્યોના પુનર્વસન કરાવવા માંગતા હતા. પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઈમરાન સરકારના પૂર્વ માનવાધિકાર મંત્રી શિરીન મજારીના આ નિવેદનથી રાજકીય માહોલ ગરમાયું છે. કરાંચીમાં તાજેતરમાં પોલીસ પ્રમુખના કાર્યાલય ઉપર હુમલો થયો હતો.
પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે, બાજવાએ તાલિબાનને લઈને મહત્વની કાર્યવાહી કરી હતી. ટીટીપીમાં જે પાકિસ્તાની નાગરિક છે તેઓ દેશમાં પરત આવવા માંગે છે. જો તેઓ હથિયાર હેઠા મુકીને સંવિધાનને સ્વીકાર કરે તો કંઈ કરી શકાય છે. આ પ્રસ્તાવને લઈને પાર્ટીના સાંસદોની મીટીંગ બોલાવાઈ હતી. મીટીંગમાં નિર્ણય લેવાયો હતો કે, વાતચીત શરૂ સમજુતી થઈ હતી. ચૂંટાયેલા પ્રતિનિધિ અને સેનાના અધિકારીઓની કમિટી બનાવામાં આવશે. તેમજ ટીટીપી વચ્ચે વાતચીત શરુ કરવાની વિચારણા કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પાકિસ્તાન આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજકીય સંકટ ઘેરાયું છે. પીએમ શરીફ સામે વિપક્ષ દ્વારા સતત દેખાવો કરવામાં આવી રહ્યાં છે, બીજી તરફ શરીફ પરિવારમાં ભંગાણ પડ્યાનું બહાર આવ્યું છે, એટલું જ નહીં મરિયમ શરીફે સરકાર સામે બાંયો ચડાવી છે. તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન ઈરમાન ખાને પણ પૂર્વ આર્મી ચીફ બાજવા ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હતા.