નવી દિલ્હી :બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને તેમની જન્મશતાબ્દીની પૂર્વ સંધ્યાએ ભારતરત્ન આપવાની ઘોષણા કરવામાં આવી. કર્પૂરી ઠાકુરને પછાત વર્ગોના મસીહા કહેવામાં આવે છે. કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં ઘણાં ચર્ચિત છે અને તેમના રાજકીય વારસાને લઈને પણ ઘણાં દાવા-પ્રતિદાવાઓ થતા રહે છે.
કર્પૂરી ઠાકુરનો જન્મ બિહારના સમસ્તીપુરમાં થયો હતો. તેઓ બિહારના બે વખત મુખ્યમંત્રી બન્યા હતા, પણ તેઓ ક્યારેય પોતાની આખી ટર્મ પૂર્ણ કરી શક્યા ન હતા. પચાતવર્ગો માટે અનામતનો માર્ગ તેમણે સાફ કર્યો હતો. મુંગેરીલાલ પંચની ભલામણોને લાગુ કરાવી હતી. તેના માટે તેમને પોતાની સરકારનું બલિદાન આપવું પડયું હતું. બિહારની શિક્ષણ વ્યવસ્થામાં મોટા પરિવર્તનો કરીને તેમણે મેટ્રિકમાં અંગ્રેજી પાસ કરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી હતી.
કર્પૂરી ઠાકુર બિહારના બે વખત સીએમ અને એક વખત ડેપ્યુટી સીએમ રહી ચુક્યા છે. તેઓ બિહારના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. 1952માં પહેલીવાર તેઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. કર્પૂરી ઠાકુર જયપ્રકાશ નારાયણને પોતાના આદર્શ માનતા હતા. 1970માં સરકારમાં મંત્રી બન્યા બાદ તેમણે આઠમા ધોરણ સુધીના શિક્ષણને નિશુલ્ક જાહેર કર્યું અને ઉર્દૂને બીજી રાજભાષાનો બિહારમાં દરજ્જો આપ્યો હતો. બિહારમાં કર્પૂરી ઠાકુરે પહેલીવાર દારૂબંધી કરી હતી. તેમની ઓળખ સાદગી માટે પણ છે. તેઓ પોતાના દરેક કામ પોતે કરતા અને ત્યાં સુધી કે અન્યોના હેન્ડપંપ ચલાવીને તેઓ પાણી પણ પીતા ન હતા.
કર્પૂરી ઠાકુરનું નિધન 17 ફેબ્રુઆરી, 1988ના રોજ થયું હતું. પરંતુ રાજકીય વર્તુળોમાં તેમના નામ અને રાજકીય વારસાની હોડ લાગતી રહી છે. તેના માટે ભાજપ અને જેડીયુમાં પણ રાજકીય યુદ્ધ ચાલુ છે.
રામજન્મભૂમિ પર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા અને તેના પછી તુરંત કર્પૂરી ઠાકુરને ભારતરત્નનું એલાન એક તીરથી અનેક રાજકીય નિશાન સાધવાનું નિમિત્ત બનશે. બિહારની રાજનીતિમાં એક તરફ આરજેડી, કોંગ્રેસ અને જેડીયુ સહીતના પક્ષોના ઈન્ડિયા ગઠબંધનમાં બેઠકોને લઈને ખેંચતાણ છે. કોંગ્રેસ વધુ બેઠકો માંગી રહી છે અને જેડીયુ પર દિલથી ભાજપ સામે નહીં લડવાના આરોપો કોંગ્રેસના નેતાઓ દ્વારા લાગતા રહ્યા છે. આવા સંજોગોમાં કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની ઘોષણા બિહારની રાજનીતિમાં આગામી સમયમાં મોટી ભૂમિકા ભજવશે