બિહારના પૂર્વ મુખ્યમંત્રી, દિવંગત કર્પૂરી ઠાકુરને ભારત રત્ન મળશે
નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. બિહારની પ્રજામાં ‘જનનાયક’ તરીકે જાણીતા કર્પુરી ઠાકુરે તેમનું જીવન ગરીબો અને પછાત વર્ગના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું. તેમની 100મી જન્મ જયંતિના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારે આ સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને રાજકીય લોક નેતાને મરણોપરાંત ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખુશી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કર્પૂરી ઠાકુરની જન્મશતાબ્દી નિમિત્તે આ નિર્ણય દેશવાસીઓને ગર્વ કરાવશે. પછાત અને વંચિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય પરિદ્રશ્ય પર અમીટ છાપ છોડી છે.
tags:
bharat ratna