ભોપાલઃ મધ્યપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન છિંદવાડામાં આયોજીત એક સભામાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે નિવેદન કર્યું હતું કે, હવે હું આરામા કરવા ઈચ્છું છું અને મને કોઈ પણ પદની મહાત્વાકાંક્ષા અને લાલચ નથી. કમલનાથના આ નિવેદનથી તેઓ રાજકારણમાંથી સન્યાસ લેવા માંગતા હોવાની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા આ નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના ગઢ ગણાતા છિંદવાડામાં એક સભામાં કમલનાથે જણાવ્યું હતું કે, હવે હું આરામ કરવા ઇચ્છુ છું, મને કોઇપણ પદની મહાત્વાકાંક્ષા અને લાલચ નથી. મેં ઘણુ બધુ મેળવી લીધુ છે. હવે હું ઘરે રહેવા માટે તૈયાર છું. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીના આ નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, કમલનાથના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પૂર્વ મંત્રીએ આ મુદ્દે દાવો કર્યો હતો કે 2023ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પાર્ટી કમલનાથના નેતૃત્વમાં લડશે.
કોંગ્રેસના અન્ય નેતા નરેન્દ્ર સલૂજાએ જણાવ્યું હતું કે, કમલનાથ રાજકારણમાં રહીને જ જનસેવા કરતા રહેશે. કમલનાથે સભામાં કહ્યું હતું કે, જે દિવસ પ્રજા ઇચ્છશે, એ દિવસે હું સંન્યાસ લઇશ.