ધાનેરાના કોંગ્રેસના પૂર્વ MLA જોઈતા પટેલ, અને લેબજી ઠાકોર, સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના ટાણે જ ભાજપના લોટસ ઓપરેશનથી વિરોધ પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં જોડાવવાનો સીલસીલો ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી સહિત 100થી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા.આ ઉપરાંત ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર સહિત આગેવાનો ભાજપમાં જોડાયા હતા.
ગુજરાતમાં ભાજપએ લોકસભાની ચૂંટણીમાં મોટા માર્જિનથી તમામ 26 બેઠકો જીતવા માટે માસ્ટરપ્લાન બનાવ્યો છે. જેના ભાગરૂપે ઓપરેશન લોટસ અમલમાં મુકીને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકરોને ભાજપ સાથે જોડવામાં આવી રહ્યા છે. ભાજપના ભરતીમેળામાં જાણીતા નેતાઓથી લઈને કાર્યકરો મોટી સંખ્યામાં રોજબરોજ જોડાઈ રહ્યા છે. ત્યારે મંગળવારે પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે તેમજ લોક કલાકાર હકાભા ગઢવી અને એક્ટર દેવ પગલી તેમજ ડીસાના લેબજી ઠાકોર પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ખેસ પહેરાવી તમામનું સ્વાગત કર્યુ હતું.
ભાજપમાં જોડાયેલા લેબજી ઠાકોરે ડીસા વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે 55 હજારથી વધુ મત મેળવ્યા હતા. જ્યારે જોઈતાભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હતા તેમજ 2019ની લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જોઈતાભાઈ પટેલ સાથે ઈશ્વર દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. બનાસકાંઠા બેઠક પર એક સાથે પીઢ આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસની મુશ્કેલી વધી છે.
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં મંગળવારે પૂર્વ ધારાસભ્યો, ફિલ્મજગતના કલાકારો અને વિવિધ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ડીસા અપક્ષના ઉમેદવાર, ધાનેરા તાલુકા ખરીદ-વેચાણ સંઘના ચેરમેન સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સન્ની શાહ, સચિન પંડ્યા સહિતના લોકો પણ ભાજપમાં જોડાયા છે. માજી સૈનિક સંગઠનના 5 આગેવાન પણ ભાજપમાં જોડાયા છે. સી.આર. પાટીલના હસ્તે તમામ લોકોએ ભાજપનો ખેસ અને ટોપી ધારણ કરી હતી.