કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડા ભાજપામાં જોડાયાં
નવી દિલ્હીઃ છત્તીસગઢ કોંગ્રેસના સિનિયર મહિલા નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ આજે તેઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયાં હતા. તેમજ પોતાની સાથે કોંગ્રેસમાં થયેલા અયોગ્ય વર્તન મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા રાધિકા ખેડાએ ભાજપનો કેસરિયા ધારણ કર્યો છે. રાધિકા ખેડાએ બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાધિકા ખેડાએ પોતાની સાથે છત્તીસગઢમાં દુરવ્યવહાર કરવાનો અને કાવતરુ ઘડવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપમાં જોડાયા બાજ રાધિકા ખેડાએ કહ્યું કે,
રામભક્ત હોવાના કારણે રામલલાના દર્શન કરવા પર કૌશલ્યા માતાની ધરતી ઉપર મારી સાથે અયોગ્ય વર્તન થયું છે. ભાજપા સરકાર અને મોદી સરકારનું મને કોઈ રક્ષણ મળ્યું નથી. આજની કોંગ્રેસ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી, આ રામ વિરોધી અને હિન્દુ વિરોધી કોંગ્રેસ છે.
આ પહેલા રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે, છત્તીસગઢ કોંગ્રેસમાં સંચાર વિભાગના ચેરમેન સુશીલ આનંદ શુકલાએ પોતાના બે સાથીઓ સાથે રાયપુરમાં પાર્ટી ઓફિસમાં પોતાની સાથે અયોગ્ય વર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ મામલે પાર્ટીના સિનિયર નેતાઓને જાણકારી આપી ત્યારે આરોપી નેતા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જન ખડગે અને જયરામ રમેશ સહિતના સિનિયર નેતા સમક્ષ આ અયોગ્ય ઘટના અંગે રજુઆત કરી હતી. તેમજ છતા આરોપી નેતા સામે કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી અંતે હતાશ થઈને કોંગ્રેસનો સાથ છોડ્યો છે.