લોકસભા ચૂંટણી નહીં લડે પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌત્તમ ગંભીર
અમદાવાદઃ નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે પોતાના સોશિયલ મીડિયા ઉપર રાજનીતિથી હાલ દૂર જવાના સંકેત આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાને મને રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવા અનુરોધ કર્યો છે જેથી ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકું. મને લોકોની સેવા કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ઈમાનદારીથી આભાર માનું છું.
વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હી બેઠક પર ક્રિકેટર ગૌત્તમ ગંભીરની જીત થઈ હતી. આમ આદમી પાર્ટીના નેતા આતિશી અને કોંગ્રેસના નેતા અરવિંદ સિંહ લવલીને મોટા માર્જીનથી હરાવીને ગંભીર લોકસભામાં પહોંચ્યાં હતા. ચૂંટણી મેદાનમાં પ્રથમવાર પગ મુકતાની સાથે ગંભીરે જીત મેળવી હતી. ગંભીરે વર્ષ 2018માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કર્યું હતું. જે બાદ સેના, જવાનો અને સામાજીક મુદ્દાઓ ઉપર ટ્વીટ કરીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા. રાષ્ટ્રવાદી છબી બનાવ્યા બાદ એવી ચર્ચા હતી કે તેઓ ભાજપામાં સામેલ થઈ શકે છે.
ક્રિકેટના મેદાનમાં આક્રમક વલણ માટે જાણીતા આ ખેલાડીએ રાજનીતિમાં પણ શાનદાર શરુ કરી હતી. દરમિયાન હવે રાજનીતિથી દૂર જવાના ગૌત્તમ ગંભીરના નિર્ણયથી સમર્થકો પણ સ્તબ્ધ બની ગયા છે. ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત સહિતના રાજ્યોમાં ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સની કામગીરી પણ આરંભી દેવાઈ છે.