કાઠમંડુઃ નેપાળના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન રબી લામિછાનેની સહકારી છેતરપિંડી અને સંગઠિત અપરાધમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. નેપાળ પોલીસ હેઠળની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની એક ટીમે લામિછાનેને કાઠમંડુમાં તેમની પાર્ટીની સેન્ટ્રલ ઑફિસમાંથી ઝડપી લીધો હતો. કલાકો પહેલાં, કાસ્કી ડિસ્ટ્રિક્ટ કોર્ટે સહકારી ભંડોળની ઉચાપત અને સંગઠિત અપરાધમાં સામેલ હોવાના આરોપસર તેમની અને અન્ય 13 સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
બ્યુરોના પ્રવક્તા હોબિન્દ્ર બોગાટીએ મીડિયાને કહ્યું, “અમે લામિછાનેની ધરપકડ કરી છે. તેમને કાસ્કી લઈ જવામાં આવશે. લામિછાનેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત હતી. ધરપકડ બાદ તેણે મીડિયાને કહ્યું, “હું કોર્ટના આદેશનું સન્માન કરું છું પરંતુ તે રાજકીય રીતે પ્રેરિત છે. અમે તેની સામે જોરદાર લડત આપીશું.” સંસદીય વિશેષ તપાસ સમિતિએ ગયા મહિને તારણ કાઢ્યું હતું કે લામિછાને સહકારી સંસ્થાઓના ભંડોળની ઉચાપતમાં સામેલ હતા.
અગાઉ, કાસ્કી જિલ્લા અદાલતે સૂર્યદર્શન સહકારી મંડળીઓના ભંડોળના દુરુપયોગના કેસમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. સંસદીય તપાસ સમિતિએ શોધી કાઢ્યું હતું કે, સૂર્યદર્શન સહકારી મંડળીઓના રૂ. 1.35 અબજના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. નેપાળ પોલીસે પુષ્ટિ કરી હતી કે સહકારી ભંડોળના દુરુપયોગના સંબંધમાં લામિછાનેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.