Site icon Revoi.in

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાને ભ્રષ્ટાચારના કેસમાં પાંચ દિવસના રિમાન્ડ અપાયા

Social Share

અમદાવાદઃ ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસે  માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ કરાયા બાદ  આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, 10 કરોડના જમીન કૌભાંડમાં નિવૃત્ત IAS એસ.કે. લાંગા સાથે સંડોવાયેલાની પણ ધરપકડ થશે. પૂર્વ આઈએએસ એસ કે લાંગાને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગાએ ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નિવૃત્ત કલેક્ટર લાંગાની સાથે તત્કાલીન ચિટનીસ અને RAC સામે પણ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ કરાયા બાદ  મોડી સાંજે ગાંધીનગર કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બંને પક્ષો વચ્ચે રિમાન્ડ બાબતે એક કલાક સુધી લાંબી દલીલ ચાલી હતી. ત્યારબાદ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે ઓર્ડરને સ્ટે કરવાની લાંગાના વકીલ તરફથી માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે તે માંગ પણ રદ કરી હતી.

આ અંગે આજે રેન્જ આઈજીએ ચુડાસમાએ જણાવ્યું હતું કે,  રિમાન્ડ દરમિયાન એસ કે લાંગાની પૂછપરછ કરાશે.  કૌભાંડમાં કોણ કોણ સામેલ છે. તેમણે કોઈની સૂચનાથી કર્યુ હતું કે, પોતાની રીતે કૌભાંડ કર્યું હતું ? જે સમગ્ર બાબતોની તપાસ કરવામાં આવશે. જે બાદ જેનાં પણ નામ સામે આવશે તે કોઈપણને છોડવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં કરોડોની રકમનું નુકસાન થયાનું સામે આવ્યું છે. હજુ બીજાં ઘણાં બધાં પ્રકરણો સામે આવી રહ્યાં છે. ખૂબ મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને પુરાવાઓ છે. આ સમગ્ર કૌભાંડની તપાસ કર્યા પછી કેટલા કરોડનું કૌભાંડ છે તે અંગે જાણ થશે. લાંગાનું ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર પણ શંકાસ્પદ જણાઇ આવ્યું છે. તેમના વતન ભાણવડ તાલુકાના શિવા ગામમાં તપાસ કરી તો આ અંગેનો ત્યાં કોઈ રેકોર્ડ મળી આવ્યો નથી. જેથી તે શંકાના દાયરામાં છે જ, તેઓ કદાચ ખોટા ખેડૂત બન્યા હોઈ શકે. તેની પણ અત્યારે તપાસ ચાલુ છે.