Site icon Revoi.in

ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું કોરોનામાં નિધન

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ દરમાં ચોંકાવનારો વધારો થયો છે. દરમિયાન ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાનું નિધન થયું હોવાનું જાણવા મળે છે. સંજય ગુપ્તાને કોરોના થતા તેમને લખનૌની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તા છેલ્લા કેટલાક મહિનાઓથી ઉત્તરપ્રદેશમાં હતા. દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લખનૌની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં છેલ્લા 15 દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેમણે મોડી રાતે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાના નિધનની જાણ થતા તેમની સાથે કામ કરી ચુકેલા અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રદ્ધાંજલી પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં રાજકીય અને સામાજીક આગેવાનો પણ સપડાયાં છે. તેમજ અનેક રાજકીય અને સામાજીક આગેવાનોના કોરોના મહામારીમાં નિધન થયું છે. દરમિયાન IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને હોસ્પિટલમાં દાખલ હતા.