પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમન ગાયકવાડનું 71 વર્ષની વયે નિધન
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડનું રાત્રે 71 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડિત હતા. ગાયકવાડે 1975થી 1987 દરમિયાન ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI મેચ રમી હતી. તેમણે બરોડા માટે 206 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી હતી.
બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સ્નેહલ પરીખે જણાવ્યું હતું કે, ગાયકવાડનું બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે અવસાન થયું હતું. તેઓ બ્લડ કેન્સરની સારવાર માટે લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં પણ ગયા હતા, પરંતુ જૂનમાં તેઓ તેમના વતન બરોડા પાછા ફર્યા હતા, જ્યાં તેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
એક બેટ્સમેન તરીકે ગાયકવાડે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચોમાં 1,985 રન નોંધાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાન સામે 201 રન હતો. તેમણે 50 ઓવરના ફોર્મેટમાં પણ 269 રન નોંધાવ્યા હતા. ગાયકવાડે દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કર સાથે ઘણી ટેસ્ટ મેચોમાં ઓપનિંગ કરી હતી.
બાદમાં તેઓ ભારતીય ટીમના સિલેક્ટર પણ હતા. તેઓ ઓક્ટોબર 1997 થી સપ્ટેમ્બર 1999 સુધી ભારતના મુખ્ય કોચ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1999માં દિલ્હીમાં પાકિસ્તાન વિરુદ્ધ એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી.
ગાયકવાડને 2017-18 માટે સીકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે કપિલ દેવ અને શાંતા રંગાસ્વામી સાથે ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. ગાયકવાડ તેમના મૃત્યુ સુધી ભારતીય ક્રિકેટર્સ એસોસિયેશનના પ્રમુખ હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તેના પિતા દત્તા ગાયકવાડ, જેઓ ભારત માટે 11 ટેસ્ટ રમ્યા હતા, તેમનું બરોડામાં નિધન થયું હતું.