મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણે કૉંગ્રેસ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં થશે સામેલ
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી શક્યતા છે. તેમણે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તો રાજીનામું આપી દીધું છે. એવી ચર્ચા છે કે અશોક ચવ્હાણ ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના નગરસેવક પણ છે, કે જેઓ ભાજપમાં સામેલ થશે.
અશોક ચવ્હાણના આ પગલાથી મહારાષ્ટ્ર કોંગ્રેસને તાજેતરમાં આ ત્રીજો ફટકો પડયો છે. તેના પહેલા મિલિંદ દેવડા અને બાબા સિદ્દીકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. બાબા સિદ્દીકી અજીત પવાર જૂથની એનસીપીમાં સામેલ થયા છે. તો મિલિંદ દેવડા શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા છે.
સૂત્રો મુજબ, અશોક ચવ્હાણ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેથી નારાજ હતા. સૂત્રો મુજબ, તેમને પાર્ટીએ લોકસભા ચૂંટણી લડવા માટે જણાવ્યું હતું. જો કે તેમણે આનાથી ઈન્કાર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભાજપની લહેર લાગી રહી છે.
અશોક ચવ્હાણ નાના પટોલેના વિધાનસભા સ્પીકર પદ છોડવાથી પણ નારાજ હતા. તેમનું માનવું હતું કે પટોલેના કારણે જ મહારાષ્ટ્રમાં સરકાર પડી ગઈ.