પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ભાજપમાં ફરીથી જોડાય તેવી શકયતા
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા સહિતના સિનિયર નેતાઓ રાજીનામું આપીને ભાજપામાં જોડાઈ રહ્યાં છે. હવે સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન કનુભાઈ કલસારિયા ફરીવાર ભાજપામાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કનુભાઈ કલસરિયા અને ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક બાદ આવી અટકળો વહેતી થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા ખાનગી પ્લાન્ટ મામલે ભાજપ સરકાર સામે મોરચો ખોલ્યો હતો અને ભાજપામાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ કનુભાઈ કલસરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા. આમ આદમી પાર્ટી બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયાં હતા. જો કે, ઓક્ટોબર 2023માં તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. ગુજરાતના રાજકારણમાં કનુભાઈ કલસરિયાને જાયન્ટ કિલર માનવામાં આવે છે. ડો. કનુભાઈ કલસરિયાએ પૂર્વ સીએમ છબિલદાસ મહેતાને મહુવા વિધાનસભા બેઠક પરથી હરાવ્યા હતા. દરમિયાન આજે ખેડૂત અગ્રણી કનુ કલસારિયા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર,પાટીલ વચ્ચે લાંબી બેઠક ચાલી હતી, લાંબી બેઠક બાદ કનુભાઈ કલસરિયા ફરીથી ભાજપામાં જોડાય રહ્યાની રાજકીય ચર્ચાએ જોર પકડયું હતું. કનુભાઈ કલસરિયાને ભાજપામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા ગુજરાતમાં પહોંચે તે પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણની સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા, અમરિશ ડેર સહિત ત્રણ નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડીને તાજેતરમાં જ ભાજપામાં જોડાયાં હતા. દરમિયાન આજે સૌરાષ્ટ્રના વધુ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે.