પૂર્વ સાંસદ ધનંજયસિંહને સાત વર્ષની કેદની સજા, ખંડણી અને અપહરણ મામલે છે દોષિત
જૌનપુર: ભૂતપૂર્વ સાંસદ ધનંજયસિંહને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં એમપી-એમલે કોર્ટે પૂર્વ સાંસદ ધનંજયસિંહ અને તેમના સાથી સંતોષ વિક્રમને દોષિત ઠેરવ્યા હતા. સુનાવણી દરમિયાન ફરિયાદી અને સાક્ષી બંને પક્ષ હોસ્ટાઈલ થઈ ગયા હતા. પરંતુ કોર્ટે તેના પછી પણ પુરાવા અને પોલીસની વિવેચનાના આધારે બંનેને દોષિત માન્યા હતા.
ધનંજયસિંહ જૌનપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ હવે તેની સંભાવના સમાપ્ત થઈ ચુકી છે. ભાજપે અહીંથી મુંબઈમાં ઉત્તર ભારતીયોના નેતાની ઓળખ ધરાવનારા કૃપાશંકરસિંહને ઉમેદવાર જાહેર કર્યા છે.
એમપી-એમએલએ કોર્ટે નમામિ ગંગે યોજનાના પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલના અપહરણ અને ખંડણીના મામલામાં આરોપી જૌનપુરના પૂર્વ સાંસદ ધનંજયસિંહ અને સંતોષ વિક્રમને મંગળવારે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે પૂર્વ સાંસદ ધનંજયસિંહને સાત વર્ષની કેદની સજા ફટકારી છે.
લગભગ ત્રણ વર્ષ દશ માસ પહેલા નમામિ ગંગે પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલના અપહરણ, ખંડણી માંગવી અને ગાળાગાળી કરીને ધમકીના મામલામાં પૂર્વ સાંસદ ધનંજયસિંહની વિરુદ્ધ કેસ ચાલી રહ્યો હતો. હવે આ મામલામાં પૂર્વ સાંસદને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.