પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયાં
અમદાવાદઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ ગુજરાતના અનેક નેતાઓ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન પરેશ ધાનાણીની નાગપુર ખાતે તબિયત લથડતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ તેમના પર એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે, હાલ તબિયત સ્થિર છે. પરેશ ધાનાણીની તબિયત લથડી હોવાના સમાચાર મળતાં જ એઆઈસીસી સચિવ અનંત પટેલ હોસ્પિટલ ઉપર પહોંચી ગયા હતા.
અમરેલીના રહેવાલી પરેશ ધાનાણીની લોકસભા 2024 માં અમરેલીના જ વતની ભાજપના નેતા પરસોત્તમ રૂપાલા સામે ટક્કર થઈ હતી. બંનેએ અમરેલીના બદલે રાજકોટથી લોકસભા ચૂંટણી લડી હતી. પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનનો મામલો ગરમ હોવા છતાં ધાનાણીની હાર થઈ હતી. 22 વર્ષ પછી પરેશ ધાનાણી અને રૂપાલા ચૂંટણીમાં સામ-સામે આવ્યા હતા. આ પહેલા 2002 માં રૂપાલાને અમરેલી વિધાનસભાની ચૂંટણી હરાવીને ધાનાણી જાયન્ટ કિલર બન્યા હતા.
લોકસભા ચૂંટણી વખતે પરેશ ધાનાણીએ રજૂ કરેલા સોગંદનામાં મુજબ, તેમની પાસે 1.40 લાખ રોકડ પડી છે. જ્યારે તેમના પત્ની પાસે 1.56 લાખ રૂપિયા રોકડા છે. એસબીઆઈની ગાંધીનગર બ્રાન્ચના એકાઉન્ટમાં 57,647 રૂપિયા અને બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાં 37,000 રૂ. છે. તેમના પત્નીનું અમરેલીની એસબીઆઈ બ્રાન્ચમાં એકાઉન્ટ છે, જેમાં 2814 રૂ. છે. આ ઉપરાંત પરેશ ધાનાણી મેડિક્લેમ છે જેનું પ્રીમિયમ 50,332 છે અને એક્સિડેન્ટલ વીમો છે જેનું પ્રીમિયમ 15,749રૂ. છે. જ્યારે તેમના પત્નીના પોસ્ટ ખાતામાં 4.37 લાખનું બેલેન્સ છે. સંસ્થાને આપેલી અંગત લોન અથવા કરજદાર પાસેથી મળવા પાત્ર રકમમાં શરદભાઈ ધાનાણીને 37 લાખ, લાભુબેન ધાનાણીને 4.50 લાખ અને વર્ષાબેન ધાનાણીને 1.20 લાખ લોન આપેલી છે.