પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને લઈને આમ કહ્યું….
દિલ્હીઃ થોડા દિવસ પહેલા જ દુનિયાના તમામ ક્રિકેટ પંડિતો ટીમ ઈન્ડિયાને ટી-20 વિશ્વકપની મજબુત ટીમ માનતા હતા. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે, વિરાટ કોહલીની આગેવાનીવાળી આ ટીમ સેમિફાઈનલની દોડમાં પણ પાછળ રહી ગઈ છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરનું માનવું છે કે, ટીમ ઈન્ડિયામાં બે ભાગલા પડી ગયા છે એક ભાગ કોહલી સાથે છે જ્યારે અન્ય તેની સામે છે. ક્રિકેટ જાણકારોનું માનવું છે કે, બાયોબબલ લાંબા સમય સુધી રહેશે. ખરાબ ટીમની પસંદગી અને ખરાબ રણનીતિને કારણે ટીમ ઈન્ડિયાની આવી પરિસ્થિતિ થઈ છે.
મીડિયા સમક્ષ અખ્તરે કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા બે ભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. મને ખબર નથી કે મને કેમ આવું લાગે છે. કેપ્ટન તરીકે કોહલીની આ અંતિ ટી-20 વર્લ્ડકપ હશે. કેટલાક ખોટા નિર્ણયને કારણે ટીમ ઈન્ડિયામાં ભાગલા પડ્યાનું લાગી રહ્યું છે. પરંતુ કોહલી એક સારો ક્રિકેટર છે અને આપણે તેમનું સન્માન કરવું જોઈએ. વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની હાર બાદ કહ્યું હતું કે, કદાચ અમે યોગ્ય સાહસ ના બતાવી શક્યાં. આ નિવેદન બાદ લોકોએ કોહલીની ટિકા કરી હતી. વર્ષ 1983માં ટીમ ઈન્ડિયાએ પ્રથમવાર વિશ્વ કપ જીત્યો હતો. 1983નો વિશ્વકપ જીતનારી ટીમના કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે, વિરાટનું આ નિવેદન યોગ્ય સંદેશ નથી આપતો. અખ્તરે વધુમાં કહ્યું કે, ભારતીય ટીમે પ્રથમ બે મેચમાં જે પ્રદર્શન કર્યું તેનાથી ટિકા થવી જ જોઈએ. ભારતને પાકિસ્તાને 10 વિકેટે અને ન્યૂઝીલેન્ડની ટીમે આઠ વિકેટે પરાજય આપ્યો હતો.