પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ટીમ મેનેજમેન્ટ ઉપર કર્યાં આકરા પ્રહાર, ટીમ ઈન્ડિયા પાસેથી શીખવાની સલાહ આપી
નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાની રાષ્ટ્રીય ટીમના મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા છે. દાનિશ કનેરિયાએ નવા ખેલાડીઓને પૂરતી તક ન આપવા બદલ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટની ટીકા કરી છે. દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ટીમને આ મામલે ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે.
કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાનમાં ઘણા લાયક ખેલાડીઓ છે. ભારત તેના ખેલાડીઓનો ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે પરંતુ પાકિસ્તાન તેના ખેલાડીઓને વારંવાર તક ન આપીને હતાશ કરે છે. ભારત સુકાની તરીકે પણ અલગ-અલગ ખેલાડીઓને અજમાવતું રહે છે.
દાનિશ કનેરિયાએ વધુમાં કહ્યું હતું કે, ‘ભારતમાં યુવા ખેલાડીઓને તક મળવાનો અર્થ એ નથી કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઋષભ પંત તેમનું સ્થાન ગુમાવશે, પરંતુ એવું બને છે કે આ મોટા ખેલાડીઓને પણ વધુ સારું રમવાની પ્રેરણા મળે છે કારણ કે, તેઓ જાણે છે કે અન્ય ખેલાડીઓ પણ પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાને આનાથી ઘણો ફાયદો થયો છે. તેમની પાસે દરેક ખેલાડીનો બેકઅપ છે.
પાકિસ્તાનમાં આપણે નવા ખેલાડીઓને તક આપતા ડરી રહ્યાં છીએ, અમને લાગે છે કે, યુવા ખેલાડીઓએ ક્યાંક અમારું સ્થાન ન લઈ લે. અહીં ભારતનું ઉદાહરણ આપતા દાનિશ કનેરિયાએ કહ્યું, ‘ભારતે ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં કહ્યું હતું કે તેમની ટીમ-બી પણ ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે એકતરફી વર્ચસ્વ જમાવી શકે છે. ભારતે જે સાબિત કર્યું છે તે અન્ય ટીમો કરી શકતી નથી.