Site icon Revoi.in

પૂર્વ PM મનમોહન સિંહથી લઈને સોનિયા ગાંધી અમારી વાત સાંભળતાઃ મૌલાના અરશદ મદની

Social Share

નવી દિલ્હીઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે બજરંગ દળ ઉપર પ્રતિબંધ ફરમાવવાનું વચન આપ્યું હતું. જો કે, બાદમાં વિવાદ વકરતા કોંગ્રેસ બચાવની સ્થિતિમાં આવ્યું હતું. હવે કર્ણાટકમાં કોંગ્રેસે સત્તા સંભાળી છે. ત્યારે જમીયત ઉલેમા હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ કર્ણાટકમાં કોંગ્રેસે આપેલા વચનને પૂર્ણ કરવાની માંગણી કરીને કોંગ્રેસ સાથે જમીયત ઉમેલા હિંદનો વર્ષો જૂનો સંબંધ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં 95 ટકા મુસ્લિમોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યાનો દાવો કર્યો હતો. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહથી લઈને સોનિયા ગાંધી અમારી વાત સાંભળતા હતા તેમ જણાવીને મૌલાનાએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના પોતાની નીતિ બદલશે તો જ મુસ્લિમ મતદારો ભાજપ તરફી મતદાન કરશે.

એક રિપોર્ટ અનુસાર મૌલાના અરશદ મદની એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મૌલાના મદનીએ એબીપી ચેનલને કહ્યું કે નરેન્દ્ર મોદી મારા દેશના વડાપ્રધાન છે. મારી તેમની સાથે કોઈ દુશ્મની નથી. જો તેઓ મને 10 વાર મળવા બોલાવે તો હું 10 વાર જઈશ. આગામી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમો ભારતીય જનતા પાર્ટી સાથે જશે, પરંતુ ભાજપે તેની નીતિ બદલવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘કર્ણાટકમાં લઘુમતી સમુદાયે 95થી 100 ટકા લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું. હવે કોંગ્રેસે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના ઢંઢેરામાં આપેલા વચનનો અમલ કરવો જોઈએ. જો આમ નહીં થાય તો ભવિષ્યમાં કોઈપણ ચૂંટણીમાં કોંગ્રેસના વચનો પર લોકો ક્યારેય વિશ્વાસ નહીં કરે. મદનીએ કહ્યું કે, કોંગ્રેસ સાથે જમિયતના સંબંધો હંમેશા રહ્યા છે. મનમોહન સિંહથી લઈને સોનિયા ગાંધી અમારી વાત સાંભળતા હતા. અમે તેમની પાસે ઘણી વખત સમસ્યા અથવા સમસ્યા સાથે ગયા છીએ અને તે ઘણી વખત ઉકેલવામાં આવી છે. યુસીસીના મુદ્દે અરશદ મદનીએ કહ્યું કે કોમન સિવિલ કોડ મુસ્લિમોની સ્વતંત્રતા છીનવી લે છે.