દિલ્હીઃ પંજાબના મુખ્યમંત્રી પદ ઉપરથી કેપ્ટન અમરિન્દરસિંહે રાજીનામું આપ્યાં બાદ તેમણે નવા પક્ષની રચના કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને કૃષિ આંદોલન અંગે ચર્ચા કરી હતી. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદા પરત ખેંચતા પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ ભાજપ સાથે કામ કરવાની તૈયારી વ્યક્ત કરી હતી. આ નિવેદન બાદ હવે એવી અટકળો શરુ થઈ છે કે, પંજાબમાં કેપ્ટન અમરિન્દરની નવી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી લડવા માટે ગઠબંધન થશે.
પંજાના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટને કહ્યુ હતુ કે, સરકારના નિર્ણયતી ખેડૂતોને રાહત મળી છે અને પંજાબની પ્રગતિનો રસ્તો પણ ખુલી ગયો છે. ખેડૂતોના વિકાસ માટે હું ભાજપ સાથે મળીને કામ કરવા તૈયાર છું. હું પંજાબના લોકોને વાયદો કરુ છું કે, જ્યાં સુધી અહીંના દરેક વ્યક્તિની આંખના આંસુ નહીં લુછુ ત્યાં સુધી ચેનથી નહી બેસુ. પંજાબના લોકો માટે આજે બહુ મોટો દિવસ છે. હું છેલ્લા એક વર્ષથી કેન્દ્રમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ આ મામલો ઉઠાવી રહ્યો હતો અને મને ખુશી છે કે તેમણે ખેડૂતોની ચિંતાને સમજી છે. ગુરુ નાનક જયંતીના પવિત્ર અવસરે ત્રણ કાયદાને રદ કરવા બદલ પીએમ મોદીનો આભાર માનુ છું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસમાં વિવાદ વકરતા અમરિન્દર સિંહે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. એટલું જ નહીં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.