રાહુલ ગાંધીને પપ્પૂ કહેનારાઓને RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા મધ્ય અને ઉત્તર ભારત થઈને કાશ્મીર પહોંચી છે. આ દરમિયાન ફિલ્મ કલાકારો, સ્થાનિક આવેગાનો તથા અન્ય ક્ષેત્રના આગેવાનોએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું હતું. જેમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જોડાયાં હતા. હવે રઘુરામ રાજને રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે અને તેમને પપ્પૂ કહેનારા નેતાઓને કરારો જવાબ આપ્યો છે. રાજને જણાવ્યું હતું કે, તેઓ નવજાવન, સ્માર્ટ અને જિજ્ઞાસુ છે. દરમિયાન રાજને રાજકરણમાં પ્રવેશનો ઈન્કાર કર્યો હતો.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રઘુરામ રાજને કહ્યું કે, મેં રાહુલ ગાંધી સાથે વાતચીતમાં આખો દશક વિતાવ્યો છે. તે બિલકુલ પપ્પુ નથી. તેઓ યુવાન, સ્માર્ટ અને જિજ્ઞાસુ છે. તમારે તમારી પ્રાથમિકતાઓ જાણવી જોઈએ અને તેનું મૂલ્યાંકન કરવા માટે તમારી પાસે સારો સમય હોવો જોઈએ અને રાહુલ ગાંધી તે કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.
રઘુરામ રાજને રાજકારણમાં પ્રવેશવાનો ઈન્કાર કરીને જણાવ્યું હતું કે, મને રાહુલ ગાંધીની યાત્રાના સિદ્ધાંતોમાં વિશ્વાસ હોવાથી ભારત જોડો યાત્રામાં જોડાયો હતો. તેથી જ હું તેમની પડખે ઉભો રહ્યો હતો. હું કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી.
રઘુરામ રાજન છેલ્લા ઘણા દિવસોથી મોદી સરકારની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે અને સરકારની આર્થિક નીતિઓ પર ટિપ્પણી કરી રહ્યા છે. દરમિયાન તેમણે કહ્યું કે, મનમોહન સિંહ સરકારના સમયમાં પણ તેઓ ઘણા મુદ્દાઓ પર સરકારની વિરુદ્ધ ઉભા હતા.
ભારત જોડો યાત્રામાં સામેલ થયા બાદ રાજને કહ્યું હતું કે, વર્ષ 2023 ભારતીય અર્થવ્યવસ્થાની સાથે સાથે બાકીની દુનિયા માટે પણ મુશ્કેલ રહેશે. સરકાર દેશના વિકાસ માટે આર્થિક સુધારા લાગુ કરવામાં નિષ્ફળ રહી છે. નિમ્ન મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવી જોઈએ, કારણ કે કોરોના સમયે આ વર્ગ સૌથી વધુ પીડિત હતો.