- પૂર્ન કેન્દ્રીયમંત્રી પંડિત સુખારામનું નિધમ
- લાંબા સમયની બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ
દિલ્હી- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પંડિત સુખ રામનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમની સારવાર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વાતની પુષ્ટિ તેમના પુત્ર અનિલ શર્મા કે જેઓ મંડીથી ધારાસભ્ય છે તેમણે કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલી રાત્રે લગભગ 1.30 વાગ્યે તેમનું અવસાન થયું. 4 મેના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ સુખ રામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સુખરામના પાર્થિવ દેહને આજે સાંજ સુધીમાં મંડી લાવવામાં આવશે અને આવતીકાલે તેમના હોમ ટાઉન મંડી હિમાચલ પ્રદેશમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
પંડિત સુખરામના પૌત્ર આશ્રય શર્માએ મંગળવારે મોડી રાત્રે ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું, “ગુડબાય દાદા, હવે ફોનની ઘંટડી નહીં વાગે.” પૂર્વ કેન્દ્રીય મંત્રીને 4 મેના રોજ મનાલીમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ મંડીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી એમ્સમાં સારી સારવાર માટે શનિવારે તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે 7 મેના રોજ તેમને દિલ્હી મોકલવા માટે સરકારી હેલિકોપ્ટર આપ્યું હતું. સુખ રામ 1993 થી 1996 સુધી કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી હતા. તેઓ મંડી લોકસભા બેઠક પરથી સાંસદ પણ હતા. તેઓ પાંચ વખત વિધાનસભામાં અને ત્રણ વખત લોકસભાની ચૂંટણીમાં જીત્યા હતા.