કોરોના સંકટમાં ભારતની સહાય માટે 40 દેશોએ કહેણ મોકલ્યું
દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. બીજી તરફ હોસ્પિટલોમાં બેડ ખુટવા લાગ્યાં છે. એટલું જ નહીં રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજનની પણ ઉભી થઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશો કોરોના સામેની લડાઈમાં ભારતના સમર્થનમાં આગળ આવ્યાં છે. પડોશી દેશો સહિત 40થી વધુ દેશોએ સહાયરૂપ થવા માટે હાથ લંબાવ્યો છે તેમ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડ-19ના સંક્રમણની બેકાબુ રફતારથી સામે આવેલી સ્થિતિને જોતા અમેરિકા, રશિયા, યૂરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યૂએઈ, ખાડી દેશો, પડોશી દેશો સહિત 40 દેશોએ મદદ આગળ આવ્યું છે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે, સરકાર ખાસ કરીને ઓક્સિજન ઉત્પાદન માટેની મશીનરી, કોન્સેંટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર, ક્રાયોજેનિક ટેન્કર સહિત લિક્વિડ ઓક્સિજન મેળવવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતમાં કોરોના વાયરસરૂપી મહામારીનો સામનો કરવા માટે દુનિયાના જુદા જુદા ભાગમાંથી 500થી વધુ ઓક્સિજન ઉત્પાદન માટેની મશીનરી, 4 હજાર ઓક્સિજન કોન્સેંટ્રેટર, 10 હજાર ઓક્સિજન સિલિન્ડર આવી રહ્યા છે.
તેમણે વધારેમાં જણાવ્યું હતું કે, મિશ્ર પાસેથી રેમડેસિવિરના 4 લાખ વાયલ ખરીદવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત યૂએઈ, બાંગ્લાદેશ અને ઉઝ્બેકિસ્તાનમાં પણ રેમડેસિવિરનો સ્ટોક ઉપલબ્ધ છે અને તેમનો સંપર્ક કરી રહ્યા છીએ. જરૂરી દવાઓ, આરોગ્યને લગતી અન્ય સાધન-સામગ્રીની સીધી ખરીદી કરવા સાથે અન્ય માધ્યમોથી લાવવામાં આવી રહી છે.