અમદાવાદઃ શહેરમાં રેલવે અને એસટી બસ સ્ટેશન પરથી એકલ-દોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. તેમજ લૂંટ અને ઘરફોડની બનાવો પણ વધતા શહેર ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ગુનાઓમાં બે મહિલાઓ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ ગેન્ગના પકડાયેલા આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવશે. અને વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિક્ષામાં એકલ દોકલ મુસાફરને બેસાડીને તેની નજર ચૂકવી લૂંટ ચલાવતા બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચ શોધ કરી રહી હતી. દરમિયાન અસલમઅલી અંસારી તથા ભૂપેન્દ્ર પરમાર નામના બે આરોપીઓએ ગીતામંદિર બસ સ્ટેન્ડ પાસેથી એક મુસાફરને બેસાડીને તેને ભૂતની આંબલી પાસે ઉતારી દીધો હતો. તેના થેલામાંથી આરોપીઓએ 88 હજાર રૂપિયા કાઢી લીધા હતાં. આ ગુનામાં ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ઝડપીને ગુનો ઉકેલી નાંખ્યો હતો, આ શખસોની પૂછપરછ બાદ ગેન્ગમાં સામેલ બે મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી, શહેર ક્રાઈમ બ્રાંચે આરોપીઓ પાસેથી રિક્ષા અને રોકડ સહિત કુલ ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે બીજા ગુનામાં બીઆરટીએસ બસમાં જતાં નિવૃત્ત આર્મી જવાનની સિનિયર સિટિજન પત્નીના પર્સમાંથી નજર ચૂકવીને દોઢ લાખના સોનાના નેકલેસની થયેલી ચોરીનો ગુનો પણ ક્રાઈમ બ્રાંચે ઉકેલી નાંખ્યો છે. ક્રાઈમ બ્રાંચે આરોપી માલતી ગાયકવાડ અને રામેશ્વરી ગાયકવાડની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપી મહિલાઓ પાસેથી ક્રાઈમ બ્રાંચે એક લાખથી વધુની કિંમતનો સોનાનો નેકલેસ કબજે કર્યો હતો. આ મહિલા આરોપીઓ પણ અન્ય ગુનામાં સંડોવાયેલી છે. કે, કેમ તેની પૂછતાછ કરવામાં આવી રહી છે.