નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ઈસ્લામ અને કુરાન અંગે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરવા મામલામાં ચાર આરોપીઓને રાવલપીંડિની અદાલતે કસુરવાર ઠરવાઈને ચારેય આરોપીઓને ફાંસની સજાનો આદેશ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયામાં ઈસ્લામ અને કુરાન અંગે વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી. આ અંગે ગયા વર્ષે એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી. જેથી આ અંગે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈને તપાસ કરી હતી. તેમજ આરોપીઓ સામે કેટલાક પુરાવા મળ્યા હતા. આ કેસ કોર્ટમાં ચાલુ જતા અદાલતે આરોપીઓને મોતની સજાનો આદેશ કર્યો છે. આરોપીઓની ઉંમર સરેરાશ 20 વર્ષની હોવાનું જાણવા મલે છે.
રાવલપીંડિની કોર્ટે આરોપીઓને સજા ફરમાવવાના આદેશની સાથે નોંધ્યું હતું કે, કુરાન સામે અપમાનજનક ટિપ્પણી કરવાના ગુના બદલ માફી આપી શકાય નહીં. એટલે આરોપીઓ કોઈ પ્રકારની ઉદારતા દાખવવાના હકદાર બનતા નથી. આ ચારે યુવાનોને ફાંસીની સજા આપવામાં આવે છે.
પાકિસ્તાનમાં ધાર્મિક અપમાનના કાયદા અત્યંત આકરા છે અને તે બદલ પાકિસ્તાનના કાયદામાં મોતની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરમાં ધાર્મિક મામલે મુસ્લિમોના ટોળાએ કેટલાક ચર્ચને નિશાન બનાવીને આગચાંપી હતી. એટલું જ નહીં ખ્રસ્તી ધર્મના લોકોને નિશાન બનાવાની સાથે કેટલાક ચર્ચો ઉપર હુમલાની ઘટનાની અમેરિકા સહિતના દેશોએ ગંભીર નોંધ લીધી હતી. દરમિયાન અગાઉ પાકિસ્તાનમાં કામ કરતા શ્રીલંકાના એક નાગરિકને તો ગત વર્ષે ટોળાએ ધાર્મિક અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ મુકીને જીવતો સળગાવી દીધો હતો.