નવી દિલ્હીઃ દેશના ચાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું જાણવા મળે છે. એક ઈ-મેલ મારફતે કલકતા એરપોર્ટ સહિત દેશના ચાર એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી છે. નનકા ઈ-મેલ મારફતે ધમકી આપવા મામલે સુરક્ષા એજન્સીઓ સાબદા બન્યાં છે. આ ઉપરાંત એરપોર્ટ ઉપર બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં એરપોર્ટ ઉપર તપાસ કરવામાં આવી હતી. પરંતુ તપાસ દરમિયાન કંઈ શંકાસ્પદ નહીં મળી આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બોમ્બની ધમકી આપનાર શખ્સે મેઈલને સુરક્ષા એજન્સીઓને પોતાને પકડી લેવા માટે સુરક્ષા એજન્સીઓને પડકાર ફેંક્યો છે.
સીઆઈએસએફના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, આ મેલ શુક્રવારે મળ્યો હતો. જેમાં ધમકી આપવામાં આવી હતી કે, દેશના ચાર અલગ-અલગ એરપોર્ટ ઉપર બોમ્બ રાખવામાં આવ્યાં છે. ધમકીને પગલે એરપોર્ટ ઉપર તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળી આવ્યું ના હતું. તાજેતરમાં જયપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર બોમ્બ રાખવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું. એરપોર્ટના સત્તાવાર ફીડબેક આઈડી પર ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ પછી એરપોર્ટ સુરક્ષાકર્મીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાયબર ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
ધમકી ભર્યા ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે, એરપોર્ટના પ્રવેશ દ્વાર ઉપર બોમ્બ રાખવામાં આવ્યો છે. મેલમાં લખ્યું છે કે, હું બેંગ્લુરુમાં બેઠો છું પકડી શકતા હોય તો પકડી લો. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર મહિનામાં આવી આ ત્રીજી ધમકી મળી છે.
(Photo-File)