પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે દિવાલ ધરાશાયી થતા ચાર વ્યક્તિના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે જ સતત વરસાદ વરસી રહ્યો છે, દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન હાલોલના ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં એક દિવાલ ધરાશાયી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર ચંદ્રપુરા ગામની જીઆઈડીસીમાં વરસાદ વચ્ચે એક દિવાલ ધરાશાયી થઈ હતી. જેથી નાસભાગ મચી ગઈ હતી. તેમજ કાટમાળની નીચે આઠ વ્યક્તિઓ દબાયા હતા. આ દૂર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બનાવની જાણ થતા 108ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર બાળકોના મોત થયાં હતા. જ્યારે ચાર વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. જે પૈકી એક મહિલાની હાલ ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં પીડિત પરિવાર શ્રમજીવી હતો અને મધ્યપ્રદેશથી રોજગારીની શોધમાં પંચમહાલ આવ્યો હતો. હાલ હોસ્પિટલમાં બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક ગામડાંઓ અને શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.