અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સિવિયર સાયકલોનીક સ્ટોર્મમાં પરિવર્તિત થતા ગુજરાતના તમામ બંદરોને સાબદા કરી દેવામાં આવ્યા છે જેના પગલે દરિયા કિનારે વસેલા પોરબંદરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 200 થી 250 કીમીની ઝડપે પણ પવન ફુંકાઇ તો પણ એકપણ જાનહાની ન થાય તેવી તૈયારી સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની સંભાવનાને લઇ બંદર પર 2 નંબરના સિગ્નલ અપાયા ઉપરાંત પોરબંદરનું જિલ્લા વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું છે. કદાચ વાવાઝોડું પોરબંદર તરફ ફંટાય અને 200 થી 250 કીમીની ઝડપે પણ જો પવન ફુંકાય તો પણ કોઇપણ જાનમાલને નુકસાન ન થાય તેવી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જિલ્લામાં 4 કંટ્રોલરૂમ સાબદા કરી દેવાયા છે. સંભવિત વાવાઝોડાની દિશા જો ગુજરાત તરફ ફંટાશે અને જરૂર જણાશે તો સાવચેતીના વધુ પગલા લેવામાં આવશે જેમાં જિલ્લામાં હોર્ડિંગ અને બોર્ડ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવશે, દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમજ નીચાણવાળા વિસ્તાર અને કાચા મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવશે.
સાવચેતીના ભાગ રુપે તમામ ઓફીસરોને હેડ કવાર્ટરમાં રહેવા સૂચના આપી દેવાઇ છે. કોસ્ટગાર્ડ, નેવી, ગુજરાત મેરી ટાઇમ બોર્ડ અને ફીશરીઝ વિભાગ સાથે મળીને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. પ્રજાને પણ સાવચેત રહેવા સૂચનાઓ અપાઇ રહી છે. હાલ ફીશીંગની સીઝન તો પૂરી થઇ ગઇ છે જેને લીધે તમામ ફીશીંગ બોટ બંદરમાં લાંગરી દેવામાં આવી છે પરંતુ તેમ છતાં કોઇ માછીમારો દરિયામાં ન જાય તે માટે સૂચનાઓ અપાઇ રહી છે. જિલ્લાના સાયકલોન સેન્ટર અને 297 આશ્રય સ્થાનોને સાબદા કરી દેવાયા છે તેમજ લોકોને પોતાના ઘરોમાં સુકો નાસ્તો અને પીવાનું પાણી એકત્રીત કરી રાખવાની સૂચનાઓ અપાઇ રહી છે. સંભવિત વાવાઝોડાની દિશા જો ગુજરાત તરફ ફંટાશે અને જરૂર જણાશે તો સાવચેતીના વધુ પગલા લેવામાં આવશે જેમાં જિલ્લામાં હોર્ડિંગ અને બોર્ડ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવશે, દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેમજ નીચાણવાળા વિસ્તાર અને કાચા મકાનોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવશે.