રાજ્યમાં ચાર કરોડ ડોક્યુમેન્ટ ડિજિટલાઇઝ કરાયા, લોકોને ઘરબેઠા ટ્રસ્ટની માહિતી મળશે: ભૂપેન્દ્ર પટેલ
સુરેન્દ્રનગરઃ જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા ચેરીટી ભવનનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન ભૂમિપૂજન કરાવ્યું હતું. શહેરના જલ ભવન પાસે અદ્યતન સુવિધાઓ સાથે ચેરિટી કચેરીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
રાજ્યના 8 જિલ્લાની નવી ચેરીટી ભવન બનાવાવની સરકારે મંજૂરી આપી હતી. જે પૈકી એક સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરાયો હતો. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચેરિટી કચેરીનું ડિજિટલ તક્તી અનાવરણ અને ભૂમિપૂજન કાર્યક્રમમાં ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જોડાયા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ રેકર્ડનું ડિજિટિલાઈઝેશન હાથ ધરી 4 કરોડ જેટલા ડૉક્યુમેન્ટ ડિજિટલાઈઝ કર્યાં છે. આ રેકર્ડનું ડિજિટલાઈઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે.
કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્યના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમાં ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા હેતુથી ચેરીટી તંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ 8 જિલ્લામાં ચેરીટી કચેરીનું ભૂમિપૂજન કરાયું છે. સુરેન્દ્રનગર જલ ભવન પાસે જમીન ફાળવાતા આધુનિક ભવન હોવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને એક જ જગ્યાએ તમામ સુવિધા ઉપલબ્ધ થશે. જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નગર પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, અધિક કલેકટર એન.ડી.ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ સેવાભાવી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા.