ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરીમાં પૂરઝડપમાં પસાર થતી જીપકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપકાર નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. દૂર્ઘટનાને પગલે વાહનમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં 15 વ્યક્તિઓને ઈજા થઈ હતી.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીકઅપ વાહન સિંધ નદીમાં ખાબકતા ચાર શ્રમજીવીઓના મોત થયા હતા અને 15 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોરાટીલા ગામ પાસે થયેલા અકસ્માતમાં ઘાયલ થયેલા કામદારોને અહીંની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત કામદારો પશ્ચિમ બંગાળના સિરસી અને ચકુલિયા વિસ્તારના રહેવાસી હોવાનું કહેવાય છે. આ લોકો અહીં શિવપુરી જિલ્લાના પિછોરમાં રોડ બનાવવાના કામ માટે આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે રોડ બનાવવાનું કામ ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ કામદારો અહીં કામ કરતા હતા. ગોરાટીલા ગામથી મજૂરોને પીક-અપ વાહનની મદદથી બાંધકામ સાઈટ પર લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે હીરાપુર પાસે વાહન બેકાબુ થઈને પલટી મારી ત્યાંથી નીકળતી સિંધ નદીમાં પડી ગયું હતું. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ ગયા.